
બેભાન થયેલા લોકોને એમ્બ્યુલન્સ લેવા આવી અને નાસભાગ સર્જાઈ
ચેન્નઈ: તમિલનાડુના કરુર ખાતે તાજેતરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. તમિલગા વેત્રિ કઝગમ (TVK)ના અધ્યક્ષ અને જાણીતા અભિનેતા વિજયની રેલીમાં નાસભાગ થતા 41 લોકોનું મૃત્યુ થયું છે. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. TVKએ આ ઘટનાને ‘DMKનું ષડયંત્ર’ ગણાવીને મદ્રાસ હાઈકોર્ટમાં CBI તપાસની માગ કરી છે. ત્યારે હવે ભાજપ-એનડીએનું એક ડેલિગેશન પણ આ દુર્ઘટનાના ફેક્ટ ચેક માટે કરુર પહોંચ્યું છે. આ ફેક્ટ ચેકમાં ચોંકાવનારી વાત સામે આવી છે.
રેલીમાં કેટલાક લોકો પાસે હથિયારો હતા
કરુર પહોંચેલા ભાજપ-એનડીએના ડેલિગેશને દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓને મળીને સાચી વાત જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં એક મહિલાએ કરુર દુર્ઘટનાને લઈને ચોંકાવનારી જાણકારી આપી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહિલાએ જણાવ્યું હતું કે, “વિજય રોડ શોના સ્થળે આવ્યો એના પહેલા જ ઘણા લોકો બેભાન થઈને ઢળી પડ્યા હતા. જ્યારે તેમને લઈને એમ્બ્યુલન્સ નીકળી ત્યારે તેને રસ્તો આપવાને લઈને દબાણ ઊભું થયું, જેથી લોકો દબાતા ગયા.”
મહિલાએ વધુમાં જણાવ્યું કે, “રેલીની ભીડમાં ઘણા લોકો અસહજ લાગી રહ્યા હતા. કેટલાક લોકો પાસે ચાકુ હતું. તે લોકોએ કેટલાક લોકો પર હુમલો પણ કર્યો હતો. જેને લઈને નાસભાગની પરિસ્થિતિ સર્જાઈ હતી.”
સ્થાનિક પ્રસાશન નિષ્ફળ રહ્યું
ભાજપ-એનડીએના ડેલિગેશનને એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, “વિજયે ભાષણ શરૂ કર્યાની 3-4 મિનિટની અંદર જ લોકો બેભાન થવા લાગ્યા હતા. જેનાથી હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ એક એમ્બ્યુલન્સ આવી, જેના કારણે હોબાળામાં વધારો થયો. અમે બધા ભાગવા લાગ્યા. બધુ બરાબર કરવામાં એક કલાક જેટલો સમય લાગ્યો. જે લોકો અહીંના ન હતા, એવા લોકો પણ રેલીમાં હાજર હતા. લોકોએ અમને ખાઈમાં કેમ ધકેલ્યા, બીજી તરફ કેમ નહીં?”
અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, “લોકો બેભાન થઈ રહ્યા છે, એ અંગે TVKના આધવ અર્જુને વિજય થલપતિને જાણ કરી હતી. ત્યારે તેમણે તરત ગાડીમાંથી પાણીની બોટલ ફેંકવાની શરૂઆત કરી દીધી હતી. જોકે, સ્થાનિક પ્રશાસન નિષ્ફળ રહ્યું. રસ્તો 19 ફૂટનો હતો અને ગાડી 13 ફૂટ સુધી ચાલી. નાસભાગ શરૂ થયા બાદ વિજયે ભાષણ પૂરૂ કર્યું અને ચાલ્યા ગયા. તે માત્ર 10 મિનિટ જ હાજર રહ્યા હતા.”
ઉલ્લેખનીય છે કે, તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ દુર્ઘટનામાં પોલીસે ભીડમાં ઉત્સાહ વધારવા વિજય થલપતિ પર જાણીજોઈને મોડા આવવાનો અને રેલીને લઈને ઘણી બાબતોની પરવાનગી ન લેવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો…કરુર નાસભાગ મુદ્દે થલપતિ વિજયે મૌન તોડ્યુંઃ CM સ્ટાલિનને વીડિયો બનાવીને આપી ચેલેન્જ