વિજય માલ્યાના બેંકોને નાણાં ચુકવણીના દાવા પાયાવિહોણા, સરકારે કહ્યું હજુ 7000 કરોડની વસૂલાત બાકી

નવી દિલ્હી : હાલમાં જ એક પોડકાસ્ટમાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ભારતીય બેંકોને તમામ લોન ચૂકવી દેવાનો દાવો કર્યો હતો. ત્યારે હવે વિજય માલ્યાના આ દાવા પર સરકાર અને બેંકોએ આકરી પ્રતિક્રિયા આપી છે. સરકારનું કહેવું છે કે માલ્યા પાસેથી હજુ પણ 7,000 કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે અને ચુકવણીના તેમના દાવા પાયાવિહોણા છે.
માલ્યાની મિલકતો વેચીને રૂ. 10,815 કરોડ વસૂલ કર્યા
મીડિયા અહેવાલમાં સરકારી સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે માલ્યાનો દાવો સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારો છે, કારણ કે તેમણે ફક્ત મૂળ રકમના આધારે નિવેદન આપ્યું છે, જ્યારે તેમના પર હજુ પણ વ્યાજ અને અન્ય ચાર્જ સહિત કુલ 6,997 કરોડ રૂપિયા બાકી છે. વર્ષ 2013માં જ્યારે આ કેસ ડેટ રિકવરી ટ્રિબ્યુનલ માં નોંધવામાં આવ્યો હતો. ત્યારે કિંગફિશર એરલાઇન્સનું કુલ એનપીએ 6,848 કરોડ રૂપિયા હતું. આમાં નોન-ક્યુમ્યુલેટિવ રિડીમેબલ પ્રેફરન્સ શેરનો પણ સમાવેશ થાય છે. ડીઆરટી આદેશ મુજબ, 10 એપ્રિલ સુધીમાં, બાકી વ્યાજ અને અન્ય ચાર્જ સહિત કુલ જવાબદારી વધીને 17,781 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં, બેંકોએ માલ્યાની મિલકતો વેચીને રૂ. 10,815 કરોડ વસૂલ કર્યા છે, જેમાં ગોવાના પ્રખ્યાત કિંગફિશર વિલાનો પણ સમાવેશ થાય છે. આ પછી પણ બેંકોએ હજુ રૂ. 6997 કરોડ વસૂલવાના બાકી છે.
વિજય માલ્યાનો દાવો 14,000 કરોડ ચુકવ્યા
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજય માલ્યાનો દાવો કે તેમણે રૂપિયા 14,000 કરોડ ચૂકવ્યા છે તે વાસ્તવિકતાથી પર છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તેમણે કદાચ આ દાવો ફક્ત મૂળ લોનની રકમને ધ્યાનમાં રાખીને કર્યો છે, જ્યારે કોઈપણ લોન પર વ્યાજ સંપૂર્ણ રીતે ચૂકવવામાં ન આવે ત્યાં સુધી વસૂલવામાં આવે છે. વધુમાં ડિફોલ્ટર્સ પર દંડાત્મક વ્યાજ પણ વસૂલવામાં આવે છે. વિજય માલ્યા ભૂતકાળમાં પણ આવા જ દાવા કરી ચૂક્યા છે, જ્યારે તે પોતે દેશમાંથી ફરાર છે. ભારત પાછા ફરવા અને કાનૂની પ્રક્રિયાનો સામનો કરવાનું ટાળી રહ્યા છે.
આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા અને ભ્રામક
તેમના દાવાઓના જવાબમાં સરકારે સ્પષ્ટતા કરી છે કે બેંકોની વસૂલાત પ્રક્રિયા તેમના બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી નીતિઓ અનુસાર કરવામાં આવી રહી છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, બેંકોની વસૂલાત નીતિ દરેક ઉધાર લેનાર માટે સમાન છે પછી ભલે તે કોઈપણ સમુદાય, પ્રદેશ અથવા પૃષ્ઠભૂમિનો હોય. વિજય માલ્યા દ્વારા કરવામાં આવેલા કોઈપણ ભેદભાવ અથવા મીડિયા દબાણના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા અને ભ્રામક છે.
આ પણ વાંચો:કિંગફિશર એરલાઇન્સના પતન માટે પ્રણવ મુખર્જી જવાબદાર? વિજય માલ્યાએ લગાવ્યા ગંભીર આરોપ