બજેટની લક્ષ્મણરેખા પાર કરી સપનાને સાકાર કરતી આ છે સફૂરાની કહાની
જીવનનો આનંદ માણવાનો મંત્ર શીખવતી ઓટો ડ્રાઇવર

બેંગલુરુની ધમાચકડીભરી શેરીઓમાં એક યુવતીએ પોતાના નિશ્ચય અને ખુશમિજાજી સ્વભાવથી લોકોના દિલ જીતી લીધા છે. સફૂરા નામની આ યુવતી ઓટોરિક્ષા ચલાવીને નવો ઈતિહાસ રચી રહી છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેમાં તેની સકારાત્મક વિચારસરણી અને જુસ્સો લોકોને પ્રેરણા આપી રહ્યો છે. સફૂરાની આ વાત દર્શાવે છે કે, જો મનમાં લગન હોય તો કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે.
વાસ્તવમાં વાત આખી એમ છે કે, બેંગલુરુમાં રહેતી તમન્ના તનવીર નામની મહિલા જ્યારે ઓલા, ઉબેર કે રેપિડો જેવી કેબ બુક ન કરી શકી, ત્યારે તેમની મુલાકાત સફૂરા સાથે થઈ. એક યુવતીને ઓટોરિક્ષા ચલાવતી જોઈ તમન્ના આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે સફૂરા સાથે વાતચીત શરૂ કરી અને આ વાતચીતનો વીડિયો રેકોર્ડ કર્યો, જે હવે ઈન્ટરનેટ પર લાખો લોકો સુધી પહોંચ્યો છે. આ વીડિયોમાં સફૂરાનો ઉત્સાહ અને સકારાત્મક અભિગમ લોકોને પ્રભાવિત કરી રહ્યો છે.
ડ્રાઇવિંગનો જુસ્સો
વીડિયોમાં સફૂરા જણાવે છે કે તેને ડ્રાઇવિંગનો ખૂબ શોખ છે, પરંતુ કાર ખરીદવા માટે તેની પાસે પૂરતુ બજેટ નથી. તેણે કહ્યું, “મારા બજેટમાં ઓટો ખરીદી શકાય તેમ હતું, તેથી મેં વિચાર્યું કે પહેલા ઓટો લઈ લઉં અને પછી આગળનું વિચારીશ.” તેની આ સરળ પણ દૃઢ મનોબળ ધરાવતી વાતચીતે લોકોના દિલ જીતી લીધા છે. સફૂરાની આ વિચારસરણી દર્શાવે છે કે આર્થિક મર્યાદાઓ હોવા છતાં પણ સપનાને હકીકતમાં બદલી શકાય છે.
સફૂરાએ પોતાના ડ્રાઇવિંગના શોખને વ્યવસાયમાં ફેરવીને એક નવું ઉદાહરણ ઊભું કર્યું છે. તેણે જણાવ્યું કે ઓટો ચલાવવાથી તેને કામ પર જવામાં કંટાળો નથી આવતો. “હું જે કરું છું, તેમાં મને એવું નથી લાગતું કે આજે સોમવાર છે, ફરી કામે જવું પડશે. હું દરેક દિવસનો આનંદ લઉં છું અને પૂરા ઉત્સાહથી કામ કરું છું,” એમ તેણે કહ્યું. આવો સકારાત્મક અભિગમ તેને અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બનાવે છે.
સફૂરાની આ વાત માત્ર એક વ્યક્તિની સફળતા નથી, પરંતુ તે એવા લોકો માટે પ્રેરણા છે જેઓ પોતાના સપનાને મર્યાદાઓના કારણે દબાવી દે છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર લાખો લોકો દ્વારા શેર થયો છે, અને લોકો તેની હિંમત અને ખુશમિજાજીના વખાણ કરી રહ્યા છે. સફૂરાની આ વાર્તા દર્શાવે છે કે જો કામ પ્રત્યે જુસ્સો હોય, તો તેને આનંદમાં બદલી શકાય છે, અને તેનાથી જીવન વધુ સુંદર બને છે.
આપણ વાંચો: જાણો કોણ છે ઈન્ડિ ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી?