ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે રાજકીય ‘જંગ’ શરૂઃ બંને પક્ષોએ કવાયત હાથ ધરી, લાભ કોને થશે?

નવી દિલ્હીઃ દેશમાં નવા ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા જાહેરાત થયા બાદ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)એ પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ (ભારતીય જનતા પક્ષ)ના અધ્યક્ષ જે. પી. નડ્ડાને ઉમેદવાર પસંદગીની જવાબદારી સોંપી છે, જ્યારે વિપક્ષી ઈન્ડિ. ગઠબંધન પણ સંયુક્ત ઉમેદવાર ઊભા રાખવાની તૈયારીમાં છે. આ ચૂંટણી રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે, કારણ કે બંને ગઠબંધનો પોતાના રાજકીય ઉમેદવારો મજબૂત કરવા માગે છે.
ભાજપ બે દિવસમાં ઉમેદવાર જાહેર કરી શકે
સૂત્રોની જાણકારી પ્રમાણે એનડીએએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જે.પી. નડ્ડાને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવાર પસંદ કરવાનો અધિકાર આપ્યો છે, જેની જાહેરાત 12 ઓગસ્ટની આસપાસ થઈ શકે છે. બીજી તરફ, ઈન્ડિ. ગઠબંધનના નેતા મલ્લિકાર્જુન ખરગે સોમવારે વિપક્ષી દળો સાથે બેઠક યોજવાના છે, જેમાં સંભવિત ઉમેદવારોની ચર્ચા થશે. વિપક્ષનુ માનવું છે કે પરિણામની ચિંતા કર્યા વિના ઉમેદવાર ઉભો રાખીને મજબૂત રાજકીય સંદેશ આપવો જોઈએ. જોકે, કેટલાક દળો એનડીએના ઉમેદવારની જાહેરાત બાદ પોતાના ઉમેદવારનું નામ જાહેર કરવાની તરફેણમા ચર્ચાઓએ જોર પકડ્યું હતું છે.
આપણ વાંચો: માણાવદર-બાંટવાની જુગારની ક્લબ પર પોલીસ મહેરબાનઃ હપ્તા વસૂલવાનો ભાજપના ધારાસભ્યનો આરોપ…
કોંગ્રેસની બેઠક મુદ્દે પણ સસ્પેન્સ
ગુરુવારે રાહુલ ગાંધીએ 25 વિપક્ષી દળોના નેતાઓ સાથે દિલ્હીમાં ડિનર મિટિંગનું આયોજન કર્યું હતું. જે જૂન 2024 પછી ઈન્ડિ. ગઠબંધનની પ્રથમ વ્યક્તિગત બેઠક હતી. આ બેઠકમાં સોનિયા ગાંધી, શરદ પવાર, ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, અભિષેક બેનર્જી, ઉદ્ધવ ઠાકરે અને કમલ હાસન જેવા નેતાઓ હાજર રહ્યા. રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં હેરફેરના આરોપો પર પ્રેઝન્ટેશન આપ્યું. વિપક્ષે બિહારમાં ચાલી રહેલા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝનનો વિરોધ કરવાનો નિર્ણય લીધો, ભાજપ અને ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવ્યો હતો.
આપણ વાંચો: સંસદના ચોમાસુ સત્ર વચ્ચે રાહુલ ગાંધીએ ગઠબંધનના પક્ષોની બોલાવી બેઠક, શું હશે એજન્ડા?
ઈન્ડિ. ગઠબંધનમાં આંતરિક એકતાનો અભાવ
જગદીપ ધનખડે 4 ઓગસ્ટે આરોગ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું, જેને વિપક્ષે ભાજપના વરિષ્ઠ નેતાના દબાણનું પરિણામ ગણાવ્યું છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે લોકસભા અને રાજ્યસભાના 781 સાંસદોનું મતદાન થશે, જેમાં જીત માટે 391 મતની જરૂર છે. એનડીએ પાસે 422 સાંસદનું બહુમત હોવાથી તેનો પલડો ભારે છે, જ્યારે ઈન્ડિ. ગઠબંધન પાસે 350થી વધુ સાંસદ છે, પરંતુ આંતરિક એકતાનો અભાવ તેની મુશ્કેલી વધારી શકે છે.