
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ભારતના રાજકારણમાં પરંપરાગત નિર્ણયો લેવાની પ્રથા ગાયબ થતી હોય એવું લાગી રહ્યું છે. ખાસ કરીને ભાજપ (ભારતીય જનતા પાર્ટી) દ્વારા એવા નિર્ણયો લેવાય છે, જેની કોઈએ આશા પણ રાખી ના હોય. હાલમાં ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી પડ્યું છે ત્યારે આ પદ માટે પાર્ટી બિહારનાં મહિલા ઉમેદવાર જાહેર કરે તો નવાઈ નહીં. બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારને બદલે હવે મહિલા ઉમેદવારનું નામ જોરદાર ચર્ચામાં છે તો જાણીએ પાર્ટીની નવી રાજકીય ચાલ.
કોઇ મહિલા બની શકે છે ઉપરાષ્ટ્રપતિ?
છેલ્લા કેટલાક સમયથી ભાજપ મહિલાઓને વધુ જવાબદારીઓ આપી રહ્યું છે. દ્રોપદી મૂર્મુને રાષ્ટ્રપતિ બનાવવા, રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્ય પ્રધાન બનાવવા એ આ વાતનો પુરાવો છે. હાલ, ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યું છે. તેના માટે ભાજપ બિહારના રમા દેવીની પસંદગી કરે તેવી સંભાવના છે. જેની પાછળ કેટલાક કારણો જવાબદાર છે.
આ પણ વાંચો: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા શરુ: ધનખડના રાજીનામા બાદ ચૂંટણી પંચ એક્શનમાં, ટૂંક સમયમાં તારીખો જાહેર થશે
બ્રિજબિહારી પ્રસાદની છાપ ‘રોબિનહુડ’ જેવી હતી
બિહારના વતની એવા રમા દેવી જંગલરાજના સાક્ષી છે. બિહારના વંચિતો અને દલિતો વચ્ચે તેમના પતિ અને બિહારના પૂર્વ મંત્રી બ્રિજબિહારી પ્રસાદની છાપ ‘રોબિનહુડ’ જેવી હતી. મુઝફ્ફરપુર અને તેની આસપાસના વિસ્તારમાં તેમની બોલબાલા હતી. હાજીપુરથી લઈને મોતીહારી સુધી રાજદને મજબૂત બનાવનાર પરંતુ બ્રિજબિહારી પ્રસાદની પટનાના સૌથી મોટા હોસ્પિટલ IGIMS ખાતે 13 જૂન 1998ના રોજ જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.
ત્રણ વખત સાંસદ બન્યા રમા દેવી
પતિના મૃત્યુના વર્ષ દરમિયાન જ રમા દેવીએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1998માં તેમને રાજદ દ્વારા મોતીહારી લોકસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હતી. આ ચૂંટણીમાં તેમણે ભાજપના રાધામોહન સિંહને હરાવ્યા હતા. આ સિવાય તેઓ 2000ના વર્ષમાં બિહાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. તેઓને રાજડી દેવીના પ્રધાન મંડળમાં લોક નિર્માણ પ્રધાન પણ બનાવવામાં આવ્યા હતા. પરંતુ 2009માં તેમણે રાજદ છોડીને ભાજપમાં સામેલ થયા હતા.
આ પણ વાંચો: શું પક્ષપલટાનું પરિણામ છે ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું? સત્યાપાલ મલિક, મેનકા બાદ ધનખડ ધકેલાયા હાંસિયામાં…
રમા દેવી મેન્ડેટથી વંચિત રહી ગયા
2009, 2019 અને 2019 એમ ત્રણ ટર્મ સુધી તેઓ ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડ્યા હતા અને લોકસભામાં પહોંચ્યા હતા. જોકે 2024માં એનડીએ ગઠબંધન દ્વારા જેડીયુને શિવહર બેઠક ફાળવવામાં આવી હતી, તેથી રમા દેવી મેન્ડેટથી વંચિત રહી ગયા હતા. તેમણે અન્ય કોઈ બેઠક પરથી ટિકિટની માંગણી કરી નહોતી. આ સંયમ અને ધીરજનું ફળ ભાજપ તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવીને આપી શકે છે.
બિહારના ઉપરાષ્ટ્રપતિ બનાવવાનું કારણ
આગામી સમયમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એવા સમયમાં બિહારના તથા વંચિતો અને દલિતો પર સારી છાપ ધરાવતા નેતાને ઉપરાષ્ટ્રપતિ બનાવવાએ એક નિર્ણાયક પગલું સાબિત થશે. તેનાથી એનડીએ બિહારના મતદારોની સહાનુભૂતિ તથા મત મેળવી શકશે. જોકે, એનડીએ દ્વારા નીતિશ કુમારને પણ ઉપરાષ્ટ્રપતિ બનાવાય તેવું અનુમાન પણ રાજકીય નિષ્ણાતો લગાવી રહ્યા છે. હવે કોને ઉપરાષ્ટ્રપતિ બનાવાય છે? એ તો સમય જ નક્કી કરશે.