સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું...
ટોપ ન્યૂઝનેશનલ

સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું…

જગદીપ ધનખડ ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ હતા. તેઓ 11 ઓગસ્ટ 2022 ના રોજ આ પદ પર નિયુક્ત થયા હતા

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રની સોમવારથી શરૂઆત થઈ હતી. પ્રથમ દિવસે જ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું.. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધેલા એક પત્રમાં તેમણે નાદુરસ્ત તબિયતનો ઉલ્લેખ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે રાષ્ટ્રપતિનો તેમના સહયોગ અને સૌહાર્દપૂર્ણ સંબંધો માટે આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના ખબર અંતર પૂછ્યા હતા.

પીએમ મોદીનો સહયોગ મૂલ્યવાન
જગદીપ ધનખડે રાજીનામા પત્રમાં લખ્યું, હું માનનીય વડા પ્રધાન અને મંત્રી પરિષદનો પણ આભાર વ્યક્ત કરું છું. વડા પ્રધાનનો સહયોગ મારા માટે ખૂબ મૂલ્યવાન રહ્યો છે. આ ઉપરાંત તેમણે કહ્યું, મને માનનીય સાંસદો તરફથી જે સ્નેહ, વિશ્વાસ અને આત્મીયતા મળી, તે મારા માટે હંમેશા અમૂલ્ય રહેશે અને મારી સ્મૃતિમાં અંકિત રહેશે. હું આ મહાન લોકશાહીમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે મળેલા અમૂલ્ય અનુભવો અને જ્ઞાન માટે અત્યંત આભારી છું.

વિકાસના સાક્ષી રહ્યા હોવાનું કહ્યું હતું
આ ઉપરાંત તેમણે લખ્યું કે, આ મહત્ત્વપૂર્ણ સમયગાળામાં ભારતની અભૂતપૂર્વ આર્થિક પ્રગતિ અને અસાધારણ વિકાસના સાક્ષી બનવું અને તેમાં સહભાગી થવું મારા માટે ગર્વ અને સંતોષની વાત રહી છે. આપણા રાષ્ટ્રના આ પરિવર્તનકારી યુગમાં સેવા આપવી મારા માટે સાચું સન્માન રહ્યું છે. જ્યારે હું આ પ્રતિષ્ઠિત પદ છોડી રહ્યો છું, ત્યારે હું ભારતના વૈશ્વિક ઉત્થાન અને તેની અદ્ભુત સિદ્ધિઓ પર ગર્વ કરું છું.

2027 પૂર્વે નિવૃત્ત થયા
આ અગાઉ, ઉપરાષ્ટ્રપતિ ધનખડે કહ્યું હતું કે જો ભગવાનની કૃપા રહેશે તો તેઓ ઓગસ્ટ, 2027માં નિવૃત્ત થશે. 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ધનખડનો પાંચ વર્ષનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027ના રોજ સમાપ્ત થતો હતો. જગદીપ ધનખડ ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ હતા. તેઓ 11 ઓગસ્ટ 2022ના આ પદ પર નિયુક્ત થયા હતા. ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલાં, તેમણે જુલાઈ 2019થી જુલાઈ 2022 સુધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા.

રાજકીય કારકિર્દી
1989માં ઝુનઝુનુ મતવિસ્તારમાંથી ૯મી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
1990-91 દરમિયાન સંસદીય બાબતોના રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી.
1993થી 1998 દરમિયાન રાજસ્થાન વિધાનસભાના સભ્ય રહ્યા હતા.
આ ઉપરાંત તેઓ રાજસ્થાન ઓલિમ્પિક એસોસિએશન અને રાજસ્થાન ટેનિસ એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે, તેઓ રાજ્યસભાના પૂર્વ-ઓફિશિયો અધ્યક્ષ પણ હતા.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button