માંસાહારથી શાકાહાર તરફ વળ્યા ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન: આ રીતે આવ્યું જીવનમાં પરિવર્તન

વારાણસી: ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તાજેતરમાં વારાણસી ખાતે શ્રી કાશી નટ્ટુક્કોટાઈ નગર સત્રમ મેનેજિંગ સોસાયટી દ્વારા બનાવવામાં આવેલા નવા સત્રમ (આવાસ સુવિધા)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને તેમના જીવનનો એક મહત્વપૂર્ણ વ્યક્તિગત અનુભવ શેર કર્યો હતો. આ અનુભવથી તેમના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું હતું.
ગંગા નદીમાં સ્નાન કર્યા પછી…
શ્રી કાશી નટ્ટુક્કોટાઈ નગર સત્રમ મેનેજિંગ સોસાયટી દ્વારા બનાવવામાં આવેલા નવા સત્રમ (આવાસ સુવિધા)નું ઉદ્ઘાટનના સમારોહને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે, “ધર્મને કામચલાઉ કટોકટીનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તે ક્યારેય કાયમી નથી. આ ઇમારત તેનો પુરાવો છે… 25 વર્ષ પહેલાં જ્યારે મેં પહેલી વાર કાશીની મુલાકાત લીધી હતી, ત્યારે હું માંસાહારી હતો. ગંગામાં સ્નાન કર્યા પછી, મારું જીવન એટલું બદલાઈ ગયું કે મેં શાકાહાર અપનાવ્યો.”
સી.પી. રાધાકૃષ્ણને છેલ્લા અઢી દાયકામાં આવેલા પરિવર્તનને પણ બિરદાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “25 વર્ષ પહેલાંની કાશી અને આજની કાશી વચ્ચે ઘણો તફાવત છે. આ પરિવર્તન ફક્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કારણે જ શક્ય બન્યું છે.”
કાશીમાં થયું આધ્યાત્મિક પુનરુત્થાન
તેમણે PM મોદી અને CM યોગીના નેતૃત્વ હેઠળ કાશીમાં થઈ રહેલા આધ્યાત્મિક પુનરુત્થાનના પુરાવા તરીકે કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં એક સદી કરતાં વધુ સમય પહેલાં ચોરાયેલી અન્નપૂર્ણા અમ્માન દેવીની મૂર્તિ 2021 માં કેનેડાથી ભારત પરત લાવવાની વાત કરવામાં આવી હતી. આ સિવાય ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને સાંસ્કૃતિક એકતા દર્શાવતા ‘કાશી-તમિલ સંગમમ’ કાર્યક્રમની પણ તેમણે પ્રશંસા કરી.
ઉલ્લેખનીય છે કે, વારાણસીની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિએ કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી અને અન્નપૂર્ણા અમ્માન દેવી મંદિરમાં પણ પૂજા અર્ચના કરીને સૌની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો…દેશના 15 માં ઉપરાષ્ટ્રપતિ તરીકે સી.પી. રાધાકૃષ્ણને શપથ લીધા, જગદીપ ધનખડે પણ હાજરી આપી



