રામ મંદિરની પ્રથમ ઈંટ મુકનાર Kameshwar Choupalનું નિધન, સંઘે આપ્યો હતો ખાસ દરજ્જો

નવી દિલ્હી : રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટી અને બિહાર વિધાનસભા પરિષદના ભૂતપૂર્વ સભ્ય કામેશ્વર ચૌપાલનું(Kameshwar Choupal)68 વર્ષની વયે નિધન થયું છે. કામેશ્વર ચૌપાલ અયોધ્યામાં શ્રી રામ મંદિરના શિલાન્યાસની પ્રથમ ઈંટ મૂકી હતી. તેવો લાંબા સમયથી બીમાર હતા. સંઘે તેમને પ્રથમ કાર સેવકનો દરજ્જો આપ્યો હતો.તેમના પાર્થિવ દેહને દિલ્હીથી પટના લઈ જવામાં આવી રહ્યો છે.
આજીવન સંઘને સમર્પિત રહ્યા
કામેશ્વર ચૌપાલ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના આજીવન સભ્ય હતા જેમણે રામ મંદિર ચળવળ દરમિયાન
9 નવેમ્બર 1989ના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરના શિલાન્યાસમાં પ્રથમ ઈંટ મૂકી હતી. તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ મધુબની જિલ્લામાંથી કર્યું. અહીં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંપર્કમાં આવ્યા. તેવો આજીવન સંઘને સમર્પિત રહ્યા હતા અને ભાજપના સક્રિય રહ્યા હતા.
બિહાર વિધાન પરિષદના સભ્ય બન્યા
આ ઉપરાંત કામેશ્વર ચૌપાલે 1991ની ચૂંટણી લોક જનશક્તિ પાર્ટીના દિવંગત નેતા રામવિલાસ પાસવાન સામે લડી હતી. તેમણે બેગુસરાયના બાખરીથી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જોકે કામેશ્વર ચૌપાલ ચૂંટણી જીતી શકયા ન હતા. જ્યારે વર્ષ 2002માં તેઓ બિહાર વિધાન પરિષદના સભ્ય બન્યા. વર્ષ 2014 માં ભાજપે તેમને પપ્પુ યાદવની પત્ની રંજીતા રંજન સામે મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા. વર્ષ 2020 માં તેમનું નામ એક વખત નાયબ મુખ્યમંત્રી તરીકે પણ ચર્ચામાં આવ્યું હતું.