
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં તાજેતરમાં ફાટી નીકળેલી રાજકીય હિંસા દરમિયાન મૈમનસિંઘમાં ટોળાએ હિન્દુ વ્યક્તિ દીપુ ચંદ્રની હત્યા કરવામાં આવી, જેને કારણે ભારત સરકારે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કેટલાક હિન્દુત્વવાદી સંગઠનોના કાર્યકર્તાઓ આજે નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશનની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
અહેવાલ મુજબ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા આ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર કથિત અત્યાચાર અને મંદિરોમાં તોડફોડનો વિરોધ કર્યો. પ્રદર્શનકારીઓએ બેનરો અને પ્લેકાર્ડ સાથે દૂતાવાસ સામે નારેબાજી કરી હતી.
સુરક્ષામાં વધારો:
વિરોધ પ્રદર્શનની શક્યતાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે બાંગ્લાદેશ દુતાવાસ બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. ત્રણ સ્તરની બેરિકેડિંગ કરવામાં આવી હતી, પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતાં.
સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં, પ્રદર્શનકારીઓ બેરિકેડ તોડીને બિલ્ડીંગમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. ટોળાને વિખેરવા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનોએ આજે હૈદરાબાદના કોઠાપેટમાં પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો…ભારતની કાર્યવાહીથી ગભરાયું બાંગ્લાદેશ, હાઈ કમિશને ભારતીયો માટે વિઝા સર્વિસ કરી બંધ…
રાજદ્વારીય સંબંધો બગડ્યા:
નોંધનીય છે કે લઘુમતીઓ સામે હિંસાને પગલે ઢાકામાં ભારતીય દુતાવાસે વિઝા સર્વિસ બંધ કરી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ઢાકા સ્થિત ભારતીય દુતાવાસના અધિકારીઓને સમન્સ પાઠવ્યું છે. બાંગ્લાદેશે નવી દિલ્હી સહિત ત્રણ ભારતીય શહેરો માટે વિઝા સર્વિસ સ્થગિત કરી હતી.
અગાઉ, ભારતના વિદેશ માત્રલાયે બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાઝ હમીદુલ્લાહને બોલાવ્યા હતાં. બાંગ્લાદેશમાં બગડતી સુરક્ષા પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
વિદ્યાર્થી નેતાની હત્યા બાદ હિંસા:
નોંધનીય છે કે ગત અઠવાડિયે બાંગ્લાદેશમાં વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. ગત વર્ષે શેખ હસીના સામે થયેલા વિરોધ પ્રદર્શનોમાં હાદી એક અગ્રણી નેતા હતો. હાદીના સમર્થકોએ વિરોધીઓએ બાંગ્લાદેશના મૈમનસિંહમાં એક હિન્દુ વ્યક્તિ, દીપુ ચંદ્ર દાસની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી.



