
અલવર: કોંગ્રેસ નેતા માનવેન્દ્રસિંહ જાસોલની કારને અકસ્માત નડ્યો છે. દુર્ઘટના સમયે કારમાં કોંગ્રેસ નેતા, તેમની પત્ની અને પુત્ર સહિત 3 લોકો સવાર હતા. માનવેન્દ્રસિંહ જાસોલના પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું છે જ્યારે તેઓ પોતે, તેમના પુત્ર અને અન્ય જે લોકો સવાર હતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે. માનવેન્દ્રસિંહ જાસોલ રાજસ્થાનની બાડમેર લોકસભા મતવિસ્તારના પૂર્વ સાંસદ છે. આ સાથે જ તેઓ બાડમેરની શિવ વિધાનસભા બેઠકના ભૂતપૂર્વ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે.
મળતી માહિતી મુજબ માનવેન્દ્રસિંહ જાસોલની કારને દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં માનવેન્દ્રસિંહ જાસોલના પત્ની ચિત્રા સિંહનું સ્થળ પર જ મોત થયું હતું. માનવેન્દ્રસિંહ જાસોલ પૂર્વ કેન્દ્રીય પ્રધાન જસવંત સિંહના પુત્ર છે. માનવેન્દ્રસિંહ જાસોલ લાંબા સમયથી ભાજપમાં જ હતા. પરંતુ 2018માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. અગાઉ તેઓ ભારતીય સેનામાં પણ હતા અને કર્નલના પદ પર હતા. આર્મીમાંથી નિવૃત્તિ બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
મીડિયા અહેવાલો મુજબ કારની ડિવાઇડર સાથે ટક્કર થઇ જવાને કારણે અકસ્માત સર્જાયો હતો. માનવેન્દ્રસિંહના પુત્ર હમીર સિંહ તથા ડ્રાઇવરને પણ ઇજા પહોંચી છે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.