PM કેર્સ ફંડના વેન્ટિલેટર બન્યા શોભાના ગાંઠિયા! દિલ્હીની હોસ્પિટલોમાં મોટાભાગના બંધ હાલતમાં: રિપોર્ટ

જ્યારે જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈમાં વેન્ટિલેટર જેવા સાધનો આશાનું કિરણ બની જાય છે, ત્યારે દિલ્હીની ટોચની સરકારી હોસ્પિટલોમાં આવા સાધનોની દયનીય સ્થિતિ ચોંકાવનારી હકીકત બની બહાર આવી છે. એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દર ત્રણ વેન્ટિલેટરમાંથી એક વેન્ટિલેટર કામ વગર પડી રહેલું છે, અને ખાસ કરીને પીએમ કેર્સ ફંડના વેન્ટિલેટરોની હાલત ખૂબ જ ખરાબ છે.
એક મીડિયા એજન્સી દ્વારા દિલ્હીની મોટી સરકારી હોસ્પિટલો જેવી કે મૌલાના આઝાદ મેડિકલ કોલેજ (એમએએમસી), લોક નાયક હોસ્પિટલ, દીનદયાલ ઉપાધ્યાય, લાલ બહાદુર શાસ્ત્રી અને સુશ્રુત ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયેલી આરટીઆઈએ ચિંતાજનક ચિત્ર રજૂ કર્યું છે. સૂત્રોના ડેટા પ્રમાણે, આ હોસ્પિટલોમાં કુલ 297 વેન્ટિલેટર છે, જેમાંથી 92 (એટલે કે 31%) કામ નથી કરી રહ્યા. આ આંકડો દર્શાવે છે કે કોરોના મહામારી દરમિયાન જીવન બચાવનારી આ મશીનોનું જાળવણી પ્રત્યે ગંભીર ઉપેક્ષા થઈ રહી છે.
લોક નાયક હોસ્પિટલમાં વેન્ટિલેટરની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. એનેસ્થેસિયા, મેડિસિન અને પીડિયાટ્રિક્સ જેવા વિભાગોમાં 70થી વધુ વેન્ટિલેટર કામ કરી રહ્યા નથી. ખાસ કરીને, વોર્ડ 32માં પીએમ કેર્સ ફંડના 12 વેન્ટિલેટરમાંથી એક પણ કામ નથી કરતું, અને વોર્ડ 31માં 8 વેન્ટિલેટર પણ બિનઉપયોગી છે. રિપોર્ટ અનુસાર, આ વેન્ટિલેટરોની જાળવણી માટેની એએમસી/સીએમસી ફાઇલ હજુ પ્રક્રિયામાં છે. બીજી તરફ, દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલના આઈસીયુમાં 25 વેન્ટિલેટર સંપૂર્ણ કાર્યરત છે, જે એક સારું ઉદાહરણ છે.
સૌથી ચોંકાવનારી હકીકત એ છે કે ખરાબ વેન્ટિલેટરોમાંથી મોટા ભાગના પીએમ કેર્સ ફંડ હેઠળ આવેલા છે. આરટીઆઈ ડેટા પ્રમાણે, ઓછામાં ઓછા 41 પીએમ કેર્સ વેન્ટિલેટર હાલમાં નકામા છે. કેટલાક વોર્ડમાં આવા તમામ વેન્ટિલેટર બિનઉપયોગી થઈ ગયા છે. બીજી તરફ, લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાં 13માંથી માત્ર એક વેન્ટિલેટર ખરાબ છે, અને તેના આઈસીયુના બધા 9 વેન્ટિલેટર કાર્યરત છે, જે સકારાત્મક ઉદાહરણ છે.
એમએએમસી અને લોક નાયક હોસ્પિટલના વિવિધ વિભાગોની સ્થિતિ પણ ચિંતાજનક છે. ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી વિભાગમાં 41માંથી 39 વેન્ટિલેટર (95%) કાર્યરત છે, જ્યારે એનેસ્થેસિયા આઈસીયુમાં 33માંથી 5 ખરાબ છે (85% કાર્યરત) છે. ઇમરજન્સી અને કેઝ્યુઅલ્ટી યુનિટમાં 7માંથી 5 વેન્ટિલેટર નકામા છે, એટલે કે માત્ર 29% કાર્યરત છે. આ ઉપરાંત, રિપોર્ટે ખુલાસો કર્યો છે કે ગોવિંદ વલ્લભ પંત અને લોક નાયક હોસ્પિટલોમાં ફક્ત એક-એક એમઆરઆઈ મશીન જ કાર્યરત છે, જે આરોગ્ય સેવાઓની ગંભીર સ્થિતિ દર્શાવે છે.
આ પણ વાંચો…ભારતમાં એક કપ ચા કરતા 1GB ડેટા વધુ સસ્તો, વડા પ્રધાન મોદીએ શા માટે કહ્યું?