શાકભાજીના વિક્રેતાઓએ લારીઓ પર નામ લખવું પડશે! આ શહેરમાં લેવાયો નિર્ણય

નવી દિલ્હી: આ વર્ષે કાવડ યાત્રા દરમિયાન ઉત્તરાખંડ સરકારે યાત્રા રૂટ પર આવેલી રેસ્ટોરન્ટની બહાર માલિક અને સંચાલકોના નામ લખવા સુચના આપી હતી, જો કે બાદમાં સુપ્રીમ કોર્ટે આ આદેશ પર રોક લગાવી હતી. એવામાં તાજેતરમાં દિલ્હીના નજફગઢમાં શાકભાજી માર્કેટ (Delhi Najafgarh vegetable market) માટે આવો આદેશ આપવામાં આવ્યો છે, સ્થાનિક કાઉન્સિલર અને માર્કેટ એસોસિએશને જણાવ્યું હતું કે, માર્કેટમાં વિક્રેતાઓએ તેમના નામ અને ફોન નંબર લારી પર દર્શાવવા પડશે.
આ કારણે લેવાયો નિર્ણય:
આ આદેશ કથિત રીતે ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યા શરણાર્થીઓને આ વિસ્તારમાં શાકભાજી અને અન્ય વસ્તુઓ વેચતા અટકાવવા માટે કરવામાં આવ્યો છે, ફરિયાદ કરવામાં આવી હતી કે અજાણ્યા વિક્રેતાને કારણે બજાર ભરાઈ ગયું છે.
સ્થાનિક બીજેપી કાઉન્સિલર અમિત ખરખારીએ દાવો કર્યો હતો કે નવો નિયમ સુરક્ષાના કારણોસર લાદવામાં આવ્યો હતો અને તેનો હેતુ કોઈ વ્યક્તિ કે કોઈ ચોક્કસ સમુદાય સામે ભેદભાવ કરવા માટે નથી.
ઓળખની ચકાસણી કરવામાં આવશે:
માર્કેટ એસોસિએશન દરેક લારીને એક યુનિક નંબર આપશે કરશે અને વિક્રેતાઓએ તેમના આધાર કાર્ડ જેવા દસ્તાવેજોનો સાથે ઓળખ ચકાસણી કરાવવી પડશે. એસોસિએશનના જણાવ્યા મુજબ, નજફગઢ માર્કેટ વિસ્તારમાં લગભગ 300 વિક્રેતા શાકભાજી વેચે છે. નેમપ્લેટ વગરના લોકો વેપાર ના કરી શકે.
નજફગઢ વ્યાપાર મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે માર્કેટ એસોસિએશન તમામ વિક્રેતાની ઓળખની ચકાસણી કરશે અને રેકોર્ડ જાળવાશે, તેને સ્થાનિક પોલીસ અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ને સુરક્ષા હેતુઓ માટે સબમિટ કરશે. વેરિફિકેશન પ્રક્રિયા 20 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.