શાકભાજી વેચનારને લાગ્યો 11 કરોડનો જેકપોટ! આખી જિંદગી એક જ ઝાટકે બદલાઈ ગઈ

જયપુર: નસીબ ઊઘડે એટલે પળભરમાં જિંદગી બદલી જાય છે. આવો જ એક કિસ્સો રાજસ્થાનથી સામે આવ્યો છે. જ્યાં માત્ર પાંચસો રૂપિયાની લૉટરીની એક ટિકિટે એક વ્યક્તિનું જીવન બદલી નાખ્યું છે. કોટપૂતળીના આ નિવાસીએ પ્રથમ ઇનામ તરીકે 11 કરોડ રૂપિયા જીત્યા છે. આમાં ખાસ વાત એ છે કે લૉટરી જીતનાર વ્યક્તિ રોડ કિનારે લારી લગાવીને શાકભાજી વેચે છે. તેનું કહેવું છે કે ઇનામ તરીકે મળનારા પૈસાથી તે પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરશે અને બાળકોને સારી રીતે ભણાવશે.
દિવાળી પહેલાં કોટપૂતળીના એક સામાન્ય શાકભાજી વિક્રેતાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. પંજાબ રાજ્ય લૉટરીના દિવાળી બમ્પર 2025 માં અમિત સેહરાએ પ્રથમ ઇનામ જીત્યું હતું. 32 વર્ષીય અમિત રોડ કિનારે શાકભાજીની લારી લગાવે છે અને તેમાંથી થતી આવકથી ઘરનું ગુજરાન ચલાવે છે. અમિતે આ ટિકિટ માત્ર 500 રૂપિયામાં ખરીદી હતી. તેમની ટિકિટનો નંબર A438586 હતો. આ ટિકિટે તેમનું નસીબ બદલી નાખ્યું. લૉટરીનું ડ્રો 31 ઑક્ટોબરે લુધિયાણામાં રાત્રે આઠ વાગ્યે કાઢવામાં આવ્યું હતું. પ્રથમ ઇનામ તરીકે 11 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી, અને આ ઇનામ અમિત સેહરાને મળ્યું.
પ્રાપ્ત માહિતી મુજબ, અમિતે પોતાના પરિવાર સાથે બઠિંડા પહોંચીને દાવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ જીત પછી તેમના પરિવાર અને મિત્રો સહિત આખા વિસ્તારમાં ખુશીનો માહોલ છે. લોકો અમિતના નસીબ અને મહેનત બંનેની ચર્ચા કરી રહ્યા છે. દિવાળી બમ્પરમાં બીજા ઇનામ તરીકે એક કરોડ રૂપિયા અને ત્રીજા ઇનામ તરીકે 50 લાખ રૂપિયાની જોગવાઈ હતી. કુલ 6,691 કરોડ રૂપિયાના ઇનામો રાખવામાં આવ્યા હતા.



