મહેંગાઈ ડાયનઃ શાકાહારીની થાળીના ભાવમાં વધારો
મુંબઈ: લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે સત્તાધારી અને વિપક્ષી પાર્ટી જનતાને રિઝવવાના પ્રયાસમાં છે, પરંતુ બીજી બાજુ વધતી મોંઘવારીથી જનતા પરેશાન છે. મોંઘવારીમાં વધારા સાથે શાકાહારી થાળીના ભાવમાં વધારો થવાથી આમ આદમીના ખિસ્સા પર ભારણ વધ્યું છે.
માર્ચ મહિનામાં કાંદા, ટમેટાં અને બટેટાની કિંમત વધવાને કારણે શાકાહારી થાળી વર્ષના આધારે 7 ટકા મોંઘી થઇ ગઇ છે. ડોમેસ્ટિક રેટિંગ એજન્સી ક્રિસિલના એક યુનિટે સર્વેક્ષણ રજૂ કર્યું હતું. ક્રિસિલ માર્કેટ ઈન્ટેલિજન્સ એન્ડ એનાલિસિસે પોતાની મહિનાની `એન્ટી રાઈસ રેટ’ અહેવાલમાં જણાવ્યું છે કે પોલ્ટ્રીની કિંમતો ઘટવાને કારણે ગયા મહિને માંસાહારી થાળીમાં 7 ટકાનો ઘટાડો થયો હતો. બીજી બાજુ કાંદા, ટમેટાં અને બટેટાની કિંમતો વધવાને કારણે શાકાહારી થાળીમાં 7 ટકાનો વધારો થયો છે.
બીજી બાજુ ફેબ્રુઆરીની સરખામણીએ ભાવ ઘટ્યો હોવાનું જોવા મળ્યું છે. શાકાહારી થાળીમાં રોટલી, શાક (કાંદા, ટમેટાં અને બટેટાં), ભાત, દાળ, દહીં અને સેલડ આવતાં હોય છે. આ થાળીની કિંમત માર્ચમાં વધીને રૂ. 27.3 પ્રતિ પ્લેટ થઇ ગઇ છે.
એક વર્ષ પહેલાં આ જ સમયગાળામાં તેની કિંમત રૂ. 25.5 હતી. જોકે ફેબ્રુઆરી મહિનાની સરખામણી કરવા જઇએ તો તેની કિંમતમાં ઘટાડો થયો છે, કારણ કે ફેબ્રુઆરીમાં તેની કિંમત રૂ. 27.4 હતી.
અહેવાલમાં જણાવ્યા અનુસાર આવક ઓછી થવા અને ઓછા આધાર દર (લો બેઝ રેટ)ના કારણે કાંદાના ભાવ વર્ષના આધારે 40 ટકા, ટમેટાંના ભાવ 36 ટકા અને બટેટાના ભાવ 22 ટકા વધવાને કારણે શાકાહારી થાળીમાં 7 ટકાનો વધારો થયો છે.