વીર સાવરકરના માનહાનિના કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટ સમક્ષ કરી માંગ! પરિવારજનોએ કર્યો વિરોધ

નવી દિલ્હીઃ લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્વાતંત્ર સેનાની વીર સાવરકર સાથે જોડાયેલા માનહાનિ કેસમાં એક મોટી માંગ કરી છે. પુણેની વિશેષ કોર્ટમાં અરજી દાખલ કરીને રાહુલ ગાંધીએ કેસને સમરી ટ્રાયલમાંથી સમન્સ ટ્રાયલમાં ફેરવવાની માંગ કરી છે, જેથી વીર સાવરકર સાથે જોડાયેલા ઐતિહાસિક પુરાવાઓને તે રજૂ કરી શકે.
આ પણ વાંચો: વીર સાવરકર માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સમન્સ…
સાવરકરના પરિવારજનો દ્વારા વિરોધ
જોકે આ માંગનો સાવરકરના પરિવારજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, આથી આ મામલો વધુ ગરમાયો છે. આ કેસ રાહુલ ગાંધીના એ નિવેદન સાથે જોડાયેલો છે જેમાં તેમને વર્ષ 2023માં લંડન ખાતે સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને લઈને એક ટિપ્પણી કરી હતી. તેમણે સાવરકર દ્વારા લખેલી એક ઘટનાનો સંદર્ભ આપતા કહ્યું હતું કે, “સાવરકરે કથિત રીતે એક મુસ્લિમ વ્યક્તિ પર હુમલાને આનંદદાયક ગણાવ્યો હતો.
2023માં દાખલ થયો હતો માનહાનિનો કેસ
સાવરકરના સંબંધી સત્યકી અશોક સાવરકરે 2023માં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, જેમાં દાવાને રદિયો આપવામાં આવ્યો હતો. હવે કોર્ટમાં દાખલ કરેલા પોતાના જવાબમાં તેમણે રાહુલ ગાંધીની અરજીને રદ કરવાની માંગ કરી છે. તેમના વકીલે કહ્યું કે રાહુલ ગાંધી આ મામલાને બિનજરૂરી રીતે લંબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આરોપી જાણી જોઈને મામલાને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ વીર સાવરકરના સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન અને ઐતિહાસિક તથ્યોનો ઉપયોગ કરીને વિષય બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે.”
19મીએ આગામી સુનાવણી
સત્યકી અશોક સાવરકરના વકીલે અદાલત સમક્ષ અરજી કરી છે કે રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેવામાં આવે અને આ મામલાની સુનાવણી ખૂબ જ ઝડપથી આગળ વધારવામાં આવે. હવે આ મામલાની સુનાવણી 19મી માર્ચના રોજ પુણેની અદાલતમાં થવાની છે.