VB G RAM G બિલ: થરૂરે શાયરાના અંદાજમાં બિલનો વિરોધ કર્યો, શિવરાજસિંહે ટેકો આપ્યો

દેખો દીવાનો યે કામ ના કરો, રામ કા નામ બદનામ મત કરો….
નવી દિલ્હીઃ સંસદમાં મનરેગાનું નામ બદલા પર આજે હોબાળો થયો હતો. પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશિ થરૂરે મનરેગાનું નામ બદલીને VB G RAM G બિલ રજૂ કરવાનો વિરોધ કર્યો હતો. થરૂરે બિલના વિરોધમાં પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું ‘દેખો દીવાનો યે કામ ના કરો, રામ કા નામ બદનામ મત કરો’. મહાત્મા ગાંધીનું નામ યોજનામાંથી હટાવવાનો શાયરાના અંદાજમાં વિરોધ કરીને તેમણે પોતાની મહત્ત્વની વાત રજૂ કરી હતી. આ બિલ અંગે પ્રિયંકા ગાંધીએ પણ સરકાર પર જોરદાર પ્રહાર કરીને ટીકા કરી હતી.
બિલ અંગે શશી થરૂરે શું કહ્યું?
થરૂરે કહ્યું કે માત્ર જી રામ જી લખીને આવું કરવું યોગ્ય નથી. તેમણે આને પાછળની દિશામાં લઈ જતું પગલું ગણાવ્યું હતું. થરૂરે કહ્યું કે મહાત્મા ગાંધીનું રામરાજ્ય માત્ર એક રાજકીય કાર્યક્રમ નહોતો, પરંતુ એક સામાજિક-આર્થિક બ્લુપ્રિન્ટ હતી. આ સામાજિક સશક્તિકરણ અને તેમની ગ્રામ સ્વરાજની અવધારણાનો એક ભાગ હતો. આ સમાજના સૌથી નીચલા વર્ગની વ્યક્તિને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ હતો.
શિવરાજસિંહે બિલને આપ્યું સમર્થન
સરકાર તરફથી મનરેગાનું નામ બદલવા માટે રજૂ કરાયેલા બિલને લઈને મંગળવારે લોકસભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બિલનો બચાવ કરતા જોવા મળ્યા હતા. શિવરાજસિંહ ચૌહાણે ગૃહમાં કહ્યું કે મને વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) એટલે કે VB-G RAM-G બિલ 2025ન સ્થાપિત કરવાની પરવાનગી આપવામાં આવે.
તેમણે કહ્યું, મહાત્મા ગાંધીજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો સંકલ્પ હતો કે જે સૌથી નીચે છે, તેમનું કલ્યાણ સૌથી પહેલા કરવામાં આવે. સરકાર ગાંધીજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ભાવનાઓ અનુસાર અનેક જનકલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે. રોજગાર ગેરંટી યોજના હેઠળ 100 દિવસને બદલે 125 દિવસના રોજગારની ગેરંટી આપી રહ્યા છીએ.
શિવરાજે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, “કોંગ્રેસે જવાહર રોજગાર યોજનાનું નામ બદલ્યું હતું તો શું તેનાથી જવાહરલાલજીનું અપમાન થઈ ગયું? વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) બિલ સંપૂર્ણપણે મહાત્મા ગાંધીજીની ભાવનાઓ અનુરૂપ છે.મને ખબર નથી કે શા માટે વિપક્ષને યોજનામાં ‘રામ’નું નામ આવવાથી વાંધો પડી રહ્યો છે.



