
જયપુરઃ રાજસ્થાનમાં વિધાન સભાની ચૂંટણીના પરિણામોમાં બહુમતી મેળવ્યાને સાત દિવસથી વધુ સમય થઇ ગયો હોવા છતાં ભાજપ હજી રાજ્ય માટે મુખ્ય પ્રધાન માટે યોગ્ય ચહેરો શોધી શકી નથી. રાજસ્થાનના બે વખત મુખ્ય પ્રધાન રહી ચૂકેલા બીજેપી નેતા વસુંધરા રાજે ફરી સીએમ પદની રેસમાં છે.
આ રેસમાં અન્ય દાવેદારોને પાછળ છોડીને વસુંધરા એક વર્ષ માટે સીએમ બની શકે છે, એવી માહિતી મળી છે. વસુંધરા રાજેએ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને ફોન કરીને એક વર્ષ માટે મુખ્ય પ્રધાન પદની માંગણી કરી છે. વસુંધરા રાજેએ તેમના દાવાને લઈને જેપી નડ્ડા સાથે ફોન પર વાત કરી છે. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઇ નથી.
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટીએ મુખ્ય પ્રધાનની પસંદગી માટે શુક્રવારે રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભા પક્ષની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરી હતી. આજે ત્રણેય નિરીક્ષકો રાજસ્થાન પહોંચીને વિધાનસભ્યોને મળ્યા છે.
વિધાનસભ્યોને મળ્યા બાદ વિધાનસભ્ય દળની બેઠકનો પ્રસ્તાવ છે. આ બેઠકમાં જ મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે છેલ્લા ત્રણ દિવસથી વસુંધરા રાજેની મુખ્ય પ્રધાન પદની દાવેદારી અંગે અનેક અટકળો ચાલી રહી છે.
રાજસ્થાનમાં ભાજપના આગલા મુખ્ય પ્રધાન કોણ બનશે એ વિશે અટકળોનો દોર જારી છે. અબહીં મુખ્ય પ્રધાનપદની રેસમાં અડધા ડઝન જેટલા નામ ચર્ચાઇ રહ્યા છે. વસુંધરા રાજે ઉપરાંત કિરોડીલાલ મીણા, બાબા બાલકનાથ, ગજેન્દ્ર સિંહ શેખાવત, ઓમ માથુર, રાજકુમારી દીયાકુમારી અને કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વની વૈષ્ણવના નામ ચર્ચાઇ રહ્યા છે. હવે કેન્દ્રીય નેતાગીરી કોના માથે પસંદગીનો કળશ ઢોળશે એ તો ટૂંક સમયમાં ખબર પડશે.