બોલો! ના ગાડી…ના ઘોડા… પણ માત્ર 50 લાખનું ઘર છે વસુંધરા રાજેના નામે: 18 કિલોના ઘરેણા પણ છે માલિકીના
જયપુર: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની ઉમેદવારીની સમય મર્યાદા પૂરી થઇ ગઇ છે. ઘણાં મોટા ચહેરા આ વખતે મેદાનમાં છે. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતથી માંડીને પૂર્વ મૂખ્ય પ્રધાન વસુંધરા રાજે સુધી બધા મોટા નેતાઓ પોતાના મતદારસંઘમાંથી લડી રહ્યાં છે.
વસુંધરા રાજેએ પોતાની પરંપરાગત બેઠક ઝાલરાપાટનથી ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતી વખતે ચૂંટણી એફીડેવિટમાં વસુંધરાએ પોતાની સંપત્તી અંગે જાણકારી આપી છે. જેમાં તેમના નામે કરોડોના ખેતરો કે મહેલો નથી પણ માત્ર 50 લાખનું ઘર અને 18 કિલો ચાંદી-સોનું હોવાની જાણકારી આપી છે.
આ એફીડેવિટમાં નોંધવામાં આવ્યું છે કે, કરોડોની માલકિન રાજસ્થાનના પૂર્વ મૂખ્ય પ્રધાન વસુંધરા રાજેના નામે કોઇ પણ વાહન નથી. સિંધિયા રાજઘરાનાની દિકરી અને ધોલપુર રાજઘરાનાની વહુ વસુંધરા રાજેના નામે કોઇ મહેલ નથી. તેમના નામે કોઇ ખેતર કે અન્ય કોઇ જમીન પણ નથી.
પૂર્વ મૂખ્ય પ્રધાન વસુંધરા રાજેએ પોતાના શપથ પત્રમાં કુલ 5.50 કરોડ રુપિયાની સંપત્તિ દર્શાવી છે. 2018ની ચૂંટણીમાં એમણે 4.54 કરોડની કુલ સંપત્તી બતાવી હતી. દસ વર્ષ પહેલાં એટલે કે 2013માં તેમની પાસે 4.04 કરોડ રુપિયાની સંપત્તિ હતી. એટલે કે પાછલાં દસ વર્ષોમાં એમની સંપત્તીમાં માત્ર એક કરોડ રુપિયાનો વધારો થયો છે.
પૂર્વ મુખ્ય પ્રધાનની વાર્ષિક આવકની વાત કરીએ તો 2018-19માં તેમની કુલ આવક 14.88 લાખ રુપિયા હતી. ત્યાર બાદના આર્થિક વર્ષમાં તેમની આવક ઓછી થઇ ગઇ. 2019-20માં તે ઘટીને 14.16 લાખ રુપિયા થઇ. 2020-21માં તેમીન આવકમાં વધારો થયો અને તેમની આવત 14.97 લાખ રુપિયા થઇ. જ્યારે 2021-22માં તેમની આવકમાં મોટો વધારો નોંધાઇને તે 24.12 લાખ રુપિયા થઇ. જ્યારે 2022-23માં આ આંકડામાં ભારે ઘટાડો થઇને તેમની વાર્ષિક આવક 12.68 લાખ રુપિયા થઇ ગઇ.
શપત પત્રમાં વસુંધરા રાજેએ જણાવ્યું છે કે હાલમાં તેમની પાસે 2.5 લાખ રુપિયા રોકડા છે. તેમના સાત પ્રાઇવેટ બેન્ક એકાઉન્ટમાં 57.7 લાખ રુપિયા જમા છે. તથા તેમની બહેન ઉષા રાજે અને દિકરા દુષ્યંત સાથે કુલ ત્રણ જોઇન્ટ એકાઉન્ટ છે જેમાં તેમના ભાગના 1,04,639 રુપિયા જમા છે. વસુંધરા રાજેના નામે 24.58 લાખ રુપિયાની રકમ પાંચ મ્યુચ્યુલ ફંડમાં જમા છે. ઉપરાંત ત્રણ કંપનીઓમાં તેમના 55.12 લાખના શેર છે.
વસુંધરા રાજે પાસે 3,179 ગ્રામ સોનાના ઘરેણા છે જેમની કિંમત 1.92 કરોડ રુપિયા છે. ઉપરાંત તેમની પાસે 15 કિલો ચાંદીના ધરેણા છે જેની કિંમત 11.19 લાખ રુપિયા છે. વસુંધરા રાજે પાસે કુલ 5 કરોડ રુપિયાની ચલ સપંત્તિ છે.
જયપુરમાં વસુંધરા રાજેના નામે એક ઘર છે. 3550 ચોરસ ફૂટમાં બનેલ આ ઘરની હાલમાં કિંમત 50 લાખ રુપિયા છે. આ રીતે વસુંધરા રાજે પાસે કુલ 5.05 કરોડ રુપિયાની સંપત્તિ છે જેમાં ચલ અને અચલ બંને સંપત્તિનો સમાવેશ છે.