પીલીભીતના લોકોને વરૂણ ગાંધીનો ઇમોશનલ મેસેજ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. દરેક પક્ષ પોતાના ઉમેદવારોની પસંદગીમાં પડ્યો છે. વિવિધ પક્ષોએ અનેક સાંસદોને ફરીથી ટિકિટ આપી છે, જ્યારે અનેકની ટિકિટો રદ પણ કરવામાં આવી છે અને તેને સ્થાને કોઇ નવા ઉમેદવારને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપની વાત કરીએ તો તેણે ભાજપે પીલીભીતથી વર્તમાન સાંસદ વરુણ ગાંધીને બદલે જિતિન પ્રસાદને ટિકિટ આપી છે. પીલીભીત લોકસભા ક્ષેત્રમાંથી ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ ન મળતા સાંસદ વરુણ ગાંધીએ પહેલી પ્રતિક્રિયા આપી છે . સોશિયલ મીડિયા સાઈટ પર એક પત્ર જારી કરીને વરુણે લોકોને ઈમોશનલ મેસેજ આપ્યો છે.
તેમણે તેમના પત્રમાં સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ સામાન્ય માણસનો અવાજ ઉઠાવવા માટે રાજકારણમાં આવ્યા હતા અને આજે તેઓ લોકોના આશીર્વાદ માંગે છે કે આ કાર્ય તેઓ હંમેશા કરતા રહે, પછી ભલે ગમે તેટલી કિંમત હોય. વરુણ ગાંધીએ પત્રની શરૂઆતમાં લખ્યું છે કે આજે જ્યારે હું આ પત્ર લખી રહ્યો છું ત્યારે પીલીભીતની અસંખ્ય યાદોએ મને ભાવુક બનાવી દીધો છે.
વરુણ ગાંધીએ પોતાના પત્રમાં લખ્યું છે કે મને યાદ છે કે 3 વર્ષનો નાનો બાળક જે 1983માં પહેલીવાર પોતાની માતાની આંગળી પકડીને પીલીભીત આવ્યો હતો. તેને (ત્રણ વર્ષના બાળકને) ક્યાં ખબર હતી કે એક દિવસ આ જગ્યા જ તેનું કાર્યસ્થળ બની જશે અને અહીંના લોકો તેનો પરિવાર બની જશે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને વર્ષોથી પીલીભીતના મહાન લોકોની સેવા કરવાની તક મળી છે.
તેમણે વધુમાં લખ્યું છે કે માત્ર એક સાંસદ તરીકે જ નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે પણ પીલીભીતમાંથી મળેલા આદર્શો, સાદગી અને દયાએ મારા ઉછેર અને વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે.
તમારા પ્રતિનિધિ બનવું અને તમારા હિત માટે હંમેશા મારી ક્ષમતા મુજબ બોલવું એ મારા જીવનનું સૌથી મોટું સન્માન રહ્યું છે. વરુણે એમ પણ લખ્યું છે કે ભલે મારો સાંસદ તરીકેનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, પરંતુ પીલીભીત સાથેનો મારો સંબંધ મારા અંતિમ શ્વાસ સુધી ખતમ થઈ શકે તેમ નથી. જો સાંસદ તરીકે નહીં, તો પુત્ર તરીકે હું જીવનભર તમારી સેવા કરવા પ્રતિબદ્ધ છું. વરુણે કહ્યું છે કે પીલીભીતના લોકો માટે તેમના દરવાજા હંમેશા પહેલાની જેમ ખુલ્લા રહેશે. તેમણે એમ પણ ઉમેર્યું છે કે મારા અને પીલીભીત વચ્ચેનો સંબંધ પ્રેમ અને વિશ્વાસનો છે જે કોઈપણ રાજકીય યોગ્યતાથી ઉપર છે. પત્રના અંતમાં તેમણે લખ્યું છે કે હું તમારો હતો, છું અને રહીશ.
ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપે વરુણ ગાંધીની ટિકિટ રદ્દ કરી છે. પાર્ટીએ વરુણ ગાંધીની જગ્યાએ યુપી સરકારના મંત્રી જિતિન પ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે. એક દિવસ પહેલા વરુણની ટીમ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી કે તે આ વખતે ચૂંટણી નહીં લડે. વરુણ ગાંધી તેમની માતા મેનકા ગાંધી માટે સુલતાનપુરમાં પ્રચાર કરશે.