લોકસભાની ચૂંટણી પહેલા વરૂણ ગાંધીના બદલાયા સૂર, સરકારની યોજનાઓની કરી ટીકા
લોકસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશની પીલીભીત લોકસભા બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ વરૂણ ગાંધી આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા છે. પહેલેથી જ એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું આ વખતે 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વરૂણને ટિકીટ આપશે? એવામાં પોતાના જ પક્ષના નારા, સરકારી યોજનાઓની સ્થિતિ અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર વરૂણ ગાંધી આક્રમક ટિપ્પણીઓ કરતા જોવા મળી રહ્યા છે.
વરૂણ ગાંધીની આ પ્રકારની રાજકીય વર્તણુંક એ તરફ ઇશારો કરી રહી છે કે ક્યાંક તેઓ પોતાના રસ્તા પક્ષથી અલગ કરવા વિશે તો વિચારી નથી રહ્યા. વરૂણ ગાંધીએ ઉપસ્થિત જનતાને સંબોધન કરતા કહ્યું હતું કે જે લોકો લોનના હપતા જમા ન કરી શકે તેમની સંપત્તિ જપ્ત થશે, હરાજી થશે. હું પૂછવા માંગુ છુ કે તેનો ઇલાજ શું છે? ફક્ત નારેબાજી? જયશ્રીરામ, ભારત માતાની જય બોલ્યા કરવાથી કામ થઇ જશે?
ભાજપ સાંસદ વરૂણ ગાંધીએ જણાવ્યું, “હું ભારત માતાને મારી માતા માનું છું. હું હનુમાનજીનો ભક્ત છું. ભગવાન રામને મારો ઇષ્ટદેવ માનું છું. પરંતુ હું તમને પૂછવા માગું છું કે જે પાયાની જરૂરિયાતોથી આપણે વંચિત છીએ, તેનું નિરાકરણ નારા લગાવવાથી આવશે કે જરૂરી સુધારાથી આવશે?”
ભાજપ સાંસદે ઉજ્જવલા યોજનાને લઇને પણ પોતાની જ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે આ યોજના હેઠળ સાત કરોડ લોકોને સિલિન્ડર આપવામાં આવ્યા. પરંતુ આ લોકો તેને ફરી ભરાવી શક્યા નહિ. 1100 રૂપિયાના સિલિન્ડરનું સામાન્ય માણસ શું કરશે? આજે 90 ટકા નોકરીઓ કરાર આધારિત અપાઇ રહી છે, એટલે જ્યારે ઇચ્છા થાય ત્યારે લોકોને રાખ્યા, જ્યારે ઇચ્છા થઇ ત્યારે કાઢી મુક્યા.
વરૂણ ગાંધી પીલીભીત સંસદીય મતવિસ્તારના અલગ અલગ ગામડાઓમાં યોજાયેલા જનસંવાદ કાર્યક્રમમાં સામેલ થયા હતા. જ્યાં તેમણે લોકોની સમસ્યા સાંભળી હતી અને સરકારી યોજનાઓની હકીકત અંગે પણ લોકોને જણાવ્યું. તેમણે કહ્યું હતું કે દેશમાં સામાન્ય માણસ માટે ન તો લોન ઉપલબ્ધ છે, ન તો નોકરીઓ. ભ્રષ્ટ ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયા મળી જાય છે જ્યારે સામાન્ય માણસને લોન મળી જાય તો તેને બેન્કના ચક્કર કાપવા પડે છે.
બેન્કના કર્મચારીઓ જ્યાં સુધી ટેબલ નીચે લક્ષ્મીના દર્શન ન કરી લે ત્યાં સુધી કામ થતું નથી. સ્વાસ્થ્ય સુવિધાઓ પર સવાલો ઉઠાવતા વરૂણ ગાંધીએ કહ્યું હતું કે લોકો સરકારી હોસ્પિટલોમાં એ અપેક્ષા સાથે જાય છે કે તેમનો ઇલાજ થશે. પરંતુ 95 ટકા લોકોને એક જ વાત કહી દેવામાં આવે છે કે એમ્સ જતા રહો. સંજય ગાંધી રિફર કરી દો. શું તેઓ ખાનગી હોસ્પિટલો પાસેથી પૈસા લે છે?
આમ વરૂણ ગાંધીના આવા વલણ પરથી સમજી શકાય છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં કદાચ તેઓ ભાજપનો સાથ છોડીને કંઇક અલગ જ કરવાનું વિચારી રહ્યા છે.