સંજય ગાંધી હોસ્પિટલનું લાયસન્સ રદ થતા વરુણ ગાંધીએ પોતાની જ સરકાર પર પ્રહારો કર્યા

બીજેપી સાંસદ વરુણ ગાંધી ફરી એકવાર પોતાની જ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. આ વખતે મામલો અમેઠીમાં સંજય ગાંધી હોસ્પિટલનું લાયસન્સ રદ કરવા અંગેનો છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં આવેલી સંજય ગાંધી હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ કરવા અંગે ભાજપના સાંસદ વરુણ ગાંધીએ પોતાની જ સરકાર પર સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે સંપૂર્ણ તપાસ કર્યા વિના જ હોસ્પિટલનું લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ તે તમામ લોકો સાથે અન્યાય છે જેઓ પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપરાંત આજીવિકા માટે પણ આ સંસ્થા પર નિર્ભર છે.
વરુણ ગાંધીએ યુપી સરકારને પત્ર લખીને માંગ કરી છે કે સરકાર આ મામલે પુનર્વિચાર કરે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વિસ્તારના લોકોની આરોગ્ય સેવાઓમાં કોઈ અડચણ નહીં આવે. પોતાના પત્રમાં તેમણે સરકારને આ મામલાની પારદર્શી રીતે તપાસ કરવાની માંગ કરી છે. પીલીભીતના સાંસદ વરુણ ગાંધીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર આ વાત લખી છે અને તેમની પોસ્ટમાં યુપીના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકને પણ ટેગ કર્યા છે.
બીજેપી સાંસદ વરુણ ગાંધીએ અન્ય એક ટ્વિટમાં કહ્યું છે કે સવાલ માત્ર સંજય ગાંધી હોસ્પિટલના 450 કર્મચારીઓ અને તેમના પરિવારજનોનો જ નથી પરંતુ સામાન્ય લોકોનો પણ છે જે દરરોજ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. માનવતાની દ્રષ્ટિ જ તેમની વેદનાને ન્યાય આપી શકે છે, વ્યવસ્થાનો અહંકાર નહીં. એવું ન થાય કે ‘નામ’ પ્રત્યેનો દ્વેષ લાખોનું ‘કામ’ બગાડે.
અમેઠીમાં સંજય ગાંધી હોસ્પિટલના લાયસન્સ સસ્પેન્ડ કરવાની બાબતે આંદોલન પણ વેગ પકડી રહ્યું છે. વિરોધ કરી રહેલા લોકો સરકાર પાસે લાઈસન્સ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. કોંગ્રેસ પહેલાથી જ આંદોલનકારીઓને પ્રોત્સાહિત કરી રહી છે, હવે બીજેપી નેતા વરુણ ગાંધી પણ તેમના સમર્થનમાં આવ્યા છે.