એવું તે શું થયું કે પ્લેને વારાણસી એરપોર્ટ પર કરવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ
દરભંગાઃ સ્પાઇસ જેટની દરભંગા-મુંબઇ રૂટની ફ્લાઇટમાં ઇમરજન્સી સ્થિતિ આવતા પ્લેનને તાત્કાલિક વારાણસી એરપોર્ટ પર ઉતરાણ કરવાની ફરજ પડી હતી.
આ બાબતે મળતી માહિતી મુજબ દરભંગાથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્લેનમાં એક વૃદ્ધ મહિલા પેસેન્જરની તબિયત બગડવા લાગી હતી. હાલત બગડતી જોઈને પાઈલટે વિમાનને વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડ કરવું પડ્યું હતું. આ પછી મહિલાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તેમને બચાવી નહોતા શકાયા. ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. વૃદ્ધ મહિલા તેના પૌત્ર સાથે મુંબઈ જઈ રહી હતી. આ ઘટના બાદ મૃતકના પરિવારના સભ્યોની હાલત ખરાબ થઇ ગઇ હતી. પરિવારના વડીલ વ્યક્તિનું મૃત્યુ થતા તેમના માથે દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો.
મૃતકની ઓળખ કલાવતી દેવી (85) તરીકે થઈ છે જે સ્પાઈસ જેટની ફ્લાઈટ એસજી 116માં પોતાના પૌત્ર સાથે દરભંગાથી મુંબઈ જઈ રહી હતી. સોમવારે સાંજે 5.40 કલાકે દરભંગા એરપોર્ટ પરથી ફ્લાઇટ ઉપડ્યા બાદ મહિલાની તબિયત લથડી હતી. ત્યાં સુધીમાં એરક્રાફ્ટ ઉત્તર પ્રદેશના વારાણસી એરસ્પેસની નજીક પહોંચી ગયું હતું, તેથી પાયલોટે તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી માટે એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) વારાણસીનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ સાંજે 6 વાગ્યે પ્લેન વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું હતું અને વૃદ્ધ મહિલાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ફ્લાઇટ સોમવારે સાંજે 7.30 કલાકે વારાણસીથી મુંબઈ માટે રવાના થઈ હતી.