વંદે માતરમ હવે 65 સેકન્ડ નહીં પણ 3 મિનિટ 10 સેકન્ડનું રહેશે, કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન્સ

નવી દિલ્હી: ભારતના ગૌરવશાળી રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ની રચનાને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્ર સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. દેશભરમાં દેશભક્તિની ભાવનાને પુનઃજીવિત કરવા અને રાષ્ટ્રગીત પ્રત્યે સન્માન જળવાઈ રહે તે હેતુથી ગૃહ મંત્રાલયે નવા દિશા-નિર્દેશો બહાર પાડ્યા છે. આ નવા નિયમો મુજબ, હવેથી રાષ્ટ્રગીતના સત્તાવાર ગાયન અને વાદન માટે ચોક્કસ સમયમર્યાદા અને પ્રોટોકોલનું પાલન કરવું ફરજિયાત રહેશે, જેનો અમલ શૈક્ષણિક સંસ્થાઓથી લઈને ઉચ્ચ સ્તરીય સરકારી કાર્યક્રમો સુધી કરવામાં આવશે.
કેન્દ્ર સરકારના નવા પ્રોટોકોલ મુજબ, હવે વિશેષ સરકારી કાર્યક્રમોમાં વંદે માતરમ્ના સત્તાવાર છ અંતરાઓનું ગાન કે વાદન કરવું અનિવાર્ય બનશે. આ માટે કુલ 3 મિનિટ અને 10 સેકન્ડનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના આગમન અને પ્રસ્થાન સમયે, તિરંગો લહેરાવતી વખતે અને રાષ્ટ્રના નામે સંબોધન પહેલા અને પછી રાષ્ટ્રગીત પ્રસ્તુત કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, જ્યારે રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે દરેક નાગરિકે સાવધાનની સ્થિતિમાં ઉભા રહેવું ફરજિયાત રહેશે, જોકે સિનેમા હોલ જેવી જગ્યાઓએ આ નિયમમાં છૂટછાટ આપવામાં આવી છે.
નવા નિર્દેશોમાં શિક્ષણ સંસ્થાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. હવેથી દેશની તમામ શાળાઓમાં દિવસની શરૂઆત રાષ્ટ્રગીતના સામૂહિક ગાનથી કરવાની રહેશે. આ ઉપરાંત સિવિલ એવોર્ડ ફંક્શન, પરેડમાં રાષ્ટ્રધ્વજ લઈ જતી વખતે અને આકાશવાણી કે દૂરદર્શન પર રાષ્ટ્રપતિના સંદેશ પ્રસારણ સમયે પણ રાષ્ટ્રગીતનું વાદન કરવામાં આવશે. બિન-ઔપચારિક કાર્યક્રમોમાં જ્યાં મંત્રીઓની હાજરી હોય, ત્યાં પણ રાષ્ટ્રગીત ગાવાની પરવાનગી આપવામાં આવી છે. સામૂહિક ગાન માટે પ્રોપર સાઉન્ડ સિસ્ટમ અને તાલીમબદ્ધ ગાયક મંડળીની વ્યવસ્થા કરવા પણ સૂચના અપાઈ છે.
‘વંદે માતરમ્’ માત્ર એક ગીત નથી, પરંતુ ભારતની આઝાદીની લડતનું સૌથી મોટું પ્રેરણાસ્ત્રોત છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લિખિત તેમની નવલકથા ‘આનંદ મઠ’ માંથી લેવામાં આવેલું આ ગીત સૌપ્રથમ 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં ગાયું હતું. ત્યારબાદ 26 જાન્યુઆરી, 1950ના રોજ તેને સત્તાવાર રીતે ‘રાષ્ટ્રગીત’નો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ ગીતના શબ્દોમાં માતૃભૂમિની વંદના અને શક્તિનું જે વર્ણન છે, તે આજે પણ દરેક ભારતીયના હૃદયમાં દેશભક્તિનો જોશ ભરી દે છે.



