વંદે ભારત ટ્રેન પર ફરી થયો પથ્થરમારો, ટ્રેનની બારીના કાચ તૂટ્યા

ઓડિશા: વંદે ભારત એક્સપ્રેસ પર ફરીવાર પથ્થરમારાની ઘટના બની છે. ઓડિશાના ભુવનેશ્વરમાં રાઉરકેલા-ભુવનેશ્વર એક્સપ્રેસ ટ્રેન નં-20835ના એક્ઝિક્યુટીવ ક્લાસના કોચની બારીને પથ્થરમારાને કારણે નુકસાન થયું હતું. જો કે આ ઘટનામાં મુસાફરોને કોઇ જાનહાનિ થઇ નથી.
ઢેંકનાલ-અંગુલ રેલવે લાઇન પર મેરામંડલી અને બુધપાંક વચ્ચે જ્યારે ટ્રેન પસાર થઇ રહી હતી એ સમયે તેના પર અચાનક જ પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. જેને પગલે મુસાફરો પણ ગભરાઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ કટકથી RPFના સહાયક સુરક્ષા કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ઇસ્ટ કોસ્ટ રેલ્વે ઝોન (ECoR)ની સુરક્ષા શાખાએ રેલ્વે સુરક્ષા દળ (RPF) અને સરકારી રેલ્વે પોલીસ (GRP)ને એલર્ટ કરી દીધા છે. ઉપરાંત બનાવની જાણ સ્થાનિક પોલીસને પણ કરવામાં આવી હતી. પથ્થરમારો કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારીઓએ નિવેદન આપ્યું છે.
આ પહેલા પણ અનેકવાર દેશમાં વિવિધ જગ્યાઓએ વંદે ભારત ટ્રેનને કેટલાક અસામાજિક તત્વો નુકસાન પહોંચાડી ચુક્યા છે. તેમજ રખડતા પશુ ટ્રેનની અડફેટે આવ્યા હોય તેવા પણ બનાવો બન્યા છે. જો કે કોઇ ગંભીર જાનહાનિ થઇ હોય તેવું હજુસુધી બન્યું નથી. પથ્થરમારાની ઘટનાઓને અટકાવવા માટે ભારતીય રેલવે વિશેષ અભિયાન પણ ચલાવી રહ્યું છે જેમાં રેલવે લાઇન પાસે રહેતા લોકોને ટ્રેન પર પથ્થરો ન ફેંકવા માટે સમજાવવામાં આવે છે.