
વંદેભારત ટ્રેનથી મુસાફરી સરળ બની છે. ઓછા સમયમાં લોકો એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી જઈ શકે છે. ત્યારે આ સુવિધામાં વધુ વધારો કરવાનું વેસ્ટર્ન રેલવે વિચારી રહ્યું છે. વેસ્ટર્ન રેલવે અમદાવાદ અને અન્ય વિસ્તારોમાં ટૂંક સમયમાં વંદે ભારતની ટિકિટ ટ્રેન આવવાના 15 મિનિટ પહેલા સુધી બુક કરવાની સુવિધા આપી શકે છે. દક્ષિણ રેલવેમાં ચાલી રહેલા એક પાયલોટ પ્રોજેક્ટની સફળતાને આધારે આ સુવિધા અમલમાં આવી શકે છે. આ નવી વ્યવસ્થા મુસાફરો માટે વધુ સગવડ લાવશે, ખાસ કરીને વંદે ભારત જેવી હાઈ-સ્પીડ ટ્રેનોમાં.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સધર્ન રેલવેએ 17 જુલાઈથી નવી સુવિધા શરૂ કરી છે, જેમાં આઠ વંદે ભારત ટ્રેનો માટે વચ્ચેના સ્ટેશનો પર ટ્રેનના આગમનની 15 મિનિટ પહેલાં સુધી ટિકિટ બુક કરી શકાય છે. આ સુવિધા હાલમાં મંગલુરુ સેન્ટ્રલ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ અને તેની પરત ફરતી સેવા માટે આ સુવિધા ઉપલબ્ધ છે. અગાઉ, ટ્રેન શરૂઆતના સ્ટેશનથી નીકળી ગયા બાદ વચ્ચેના સ્ટેશનો પર બુકિંગ બંધ થઈ જતું હતું. હવે, ખાલી સીટ “કરંટ બુકિંગ” દ્વારા વચ્ચેના સ્ટેશનો પર ફાળવવામાં આવશે.
વેસ્ટર્ન રેલવેના સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે આ એક પાયલોટ પ્રોજેક્ટ છે, જેની સફળતા અને લોકોના પ્રતિસાદ પર આધાર રાખીને તેને અમદાવાદ સહિત તમામ રેલવે ડિવિઝનમાં લાગુ કરવામાં આવશે. આ સુવિધા હાલમાં દક્ષિણના ડિવિઝનની આઠ વંદે ભારત ટ્રેનો માટે શરૂ કરવામાં આવી છે અને તે સીટોની ઉપલબ્ધતાને આધીન છે. આ ઉપરાંત, મુસાફરો આ ટિકિટ ઓનલાઈન પણ બુક કરી શકે છે, જેનાથી સગવડમાં વધારો થશે.
આપણ વાંચો: ચક્કી નદી પરના રેલવે પુલની દીવાલ ધરાશાયી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી
આ નવી સુવિધા વંદે ભારત ટ્રેનોની લોકપ્રિયતાને વધુ વેગ આપશે, કારણ કે તે મુસાફરોને છેલ્લી ઘડીએ પણ ટિકિટ બુક કરવાની સુગમતા આપે છે. અગાઉ, વચ્ચેના સ્ટેશનો પર ખાલી બેઠકોનો ઉપયોગ થઈ શકતો ન હતો, જેના કારણે રેલવેની આવક અને મુસાફરોની સગવડ બંને પર અસર પડતી હતી. આ પાયલોટ પ્રોજેક્ટની સફળતા રેલવેની અન્ય ટ્રેનો માટે પણ આવી સુવિધાઓ શરૂ કરવાનો માર્ગ મોકળો કરી શકે છે.
દક્ષિણ રેલવેમાં ચાલતો આ પાયલોટ પ્રોજેક્ટ જો સફળ રહેશે, તો વેસ્ટર્ન રેલવેના અમદાવાદ અને અન્ય વિસ્તારોમાં પણ આ સુવિધા ઝડપથી લાગુ થઈ શકે છે. રેલવે અધિકારીઓ લોકોના પ્રતિસાદ પર નજર રાખી રહ્યા છે, જેથી આ વ્યવસ્થાને વધુ સારી રીતે અમલમાં મૂકી શકાય. આ પગલું ભારતીય રેલવેની આધુનિકીકરણની દિશામાં એક મહત્વનું પગલું છે, જે મુસાફરોની સુવિધા અને રેલવેની કાર્યક્ષમતા બંનેને વધારશે.