નેશનલ

સૌપ્રથમ કયા રૂટ પર દોડશે પહેલી વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ? જાણો કેટલી સુવિધાઓથી સજ્જ હશે ટ્રેન

નવી દિલ્હી: છેલ્લા 7 વર્ષ દરમિયાન ભારતમાં કુલ 80 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડતી થઈ છે. અત્યાધુનિક સુવિધાઓ અને વધુ સારી સેવાને કારણે વંદે ભારત એક્સપ્રેસને દેશમાં સારો પ્રતિસાદ મળ્યો છે. હવે ભારતીય રેલવે વંદે ભારત એક્સપ્રેસને વધુ સારી બનાવવાના પ્રયાસો તરફ આગળ વધી રહ્યું છે. આ પ્રયાસોના ભાગરૂપે ભારતીય રેલવે ભારતની પહેલી વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ ટ્રેન લોન્ચ કરવા જઈ રહ્યું છે.

વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ ક્યારે લોન્ચ થશે

બેંગલુરુ ખાતે આવેલ ભારત અર્થ મુવર્સ લિમિટેડ(BEML) ખાતે વંદે ભારત સ્લીપર એક્સ્પ્રેસનું નિર્માણ થઈ રહ્યું છે. આ નિર્માણ કાર્ય હવે તેના છેલ્લા તબક્કામાં પહોંચી ગયું છે. ટ્રેનમાં સ્લીપરના બે રેક પૈકીના એક રેકનું ફિનિશિંગ કામ પૂરું થઈ ગયું છે. પહેલી રેક 12 ડિસેમ્બરે ઉત્તર રેલવે ખાતે પહોંચવા માટે રવાના થશે. જેનો દિલ્હી-પટના રૂટ પર ટ્રાયલ રન લેવામાં આવશે. આ ટ્રેનમાં કુલ 16 કોચ હશે. જેમાં 827 બર્થ હળે. જે પૈકી થર્ડ એસીમાં 611, સેકંડ એસીમાં 188 અને ફર્સ્ટ એસીમાં 24 બર્થ હશે.

વંદે ભારત એક્સપ્રેસની જેમ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસમાં પણ અત્યાધુનિક સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં ઓટોમેટિક દરવાજા, બાયો-ટોયલેટ, સીસીટીવી કેમેરા, પર્સનલ રીડિંગ લાઇટ્સ અને પ્રીમિયમ ક્વોલિટીવાળા આરામદાયક ઇન્ટીરિયરનો પણ સમાવેશ થાય છે.

ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની મેક્સિમમ સ્પીડે દોડાવવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. સાથોસાથ ટ્રેનમાં કવચ સિસ્ટમ, ક્રેશ-પ્રુફ ડિઝાઈન જેવી ઉચ્ચ સિક્યોરિટી ટેક્નોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. જરૂરિયાતના સમયે આ ટ્રેનમાં કોચની સંખ્યા વધારીને 24 સુધી કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

દિલ્હી-પટના વચ્ચે દોડશે ટ્રેન

દાનપુર મંડળ પાસેથી મળતી માહિતી મુજબ, ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં વંદે ભારત સ્લીપર ટ્રેનને નિયમિતપણે શરૂ કરી દેવામાં આવશે. જેને નવી દિલ્હી-રાજેન્દ્રનગર તેજસ રાજધાની એક્સ્પ્રેસની માફક ચલાવવામાં આવશે. પટનાના રાજેન્દ્રનગર ટર્મિનલથી સાંજે ઉપડેલી ટ્રેન સવારે દિલ્હી પહોંચશે. આ ટ્રેનને અઠવાડિયામાં છ દિવસ ચલાવવાની યોજના છે. વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ થવાથી પટના-દિલ્હી વચ્ચેના યાત્રીઓની સુખાકારીમાં વધારો થશે.

આ પણ વાંચો…વંદે ભારત સ્લીપર ટ્રેનઃ બીજી સ્લીપર રેકનો ટ્રાયલ સફળ, મુસાફરોને મળશે આધુનિક સુવિધા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button