PM મોદીએ ચર્ચમાં પ્રાર્થના કરી; પણ દેશમાં નાતાલની ઉજવણીમાં તોડફોડ,ધમકી અને હિંસા,થરૂરે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી: ગઈ કાલે દુનિયાભરમાં નાતાલની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશનમાં હાજરી આપી હતી, કેરોલ અને પ્રેયર્સમાં ભાગ લીધો હતો. X પર ફોટો અને વિડીયો શેર કરીને તેમણે લખ્યું કે શાંતિ, કરુણા અને આશાથી સાથેની નાતાલની સૌને શુભેચ્છા, પરંતુ દેશમાં બિલકુલ વિપરીત જ માહોલ જોવા મળ્યો હતો.
કેટલાક રાજ્યોમાં હિન્દુત્વવાદી જૂથો દ્વારા નાતાલની ઉજવણીમાં હોબાળો મચાવ્યો હતો અને લોકોને ધમકીઓ આપી હતી, કેટલીક જગ્યાએ તોડફોડ પણ કરવામાં આવી. એવામાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
ગઈ કાલે ખ્રિસ્તી સમુદાયના સૌથી મહત્વના તહેવાર નાતાલના દિવસે સોશિયલ મીડિયા પર કેટલાક આઘાતજનક ફોટો અને વિડીયો શેર કરવામાં આવ્યા હતાં. છત્તીસગઢ, કેરળ, મધ્યપ્રદેશ અને આસામમાં મોલ, શાળા-કોલેજો અને બજારોમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા તોડફોડ અને નાતાલના ઉજવણીમાં હોબાળો મચાવવાની ઘટનાઓ બની હતી.
શશી થરૂરે ચિંતા વ્યક્ત કરી:
કેરળના તિરુવનંતપુરમથી કોંગ્રેસના સાંસદ શશી થરૂરે આ ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરતા X પર લખ્યું, “આપણી પરંપરાઓ પર હુમલો, ફક્ત ખ્રિસ્તીઓ પર જ નહીં, દરેક ભારતીય પર હુમલો થાય છે. આસ્થાની સ્વતંત્રતા જેવા આપણા બંધારણીય અધિકારો પર હુમલો થઈ રહ્યો છે, અને આપણે સૌએ આપણા ખ્રિસ્તી ભાઈઓને સમર્થન આપવું જોઈએ.”
રાયપુરમાં મોલ પર હુમલો:
છત્તીસગઢના રાયપુરમાં આવેલા મેગ્નેટો મોલમાં અજાણ્યા શખ્સોએ નાતાલ નિમિતે કરવામાં આવેલા ડેકોરેશનની તોડફોડ કરી હતી અને મોલ સંચાલકોને ખુલ્લેઆમ ધમકી આપી હતી. નોંધનીય છે કે ધર્મ પરિવર્તનના મામલે કેટલાક હિન્દુત્વવાદી જૂથોએ ‘છત્તીસગઢ બંધ’નું એલાન કર્યુ હતું, આ દરમિયાન મોલમાં 4૦-50 નકાબધારી શખ્સો લાકડીઓ લઇને ઘુસી આવ્યા હતાં અને સાંતાકલોઝના પુતળા સહીત અન્ય ડેકોરેશનમાં તોડફોડ કરી હતી.
તોડફોડ કરનારા શખ્સોની ઓળખ અને તેના જૂથ અંગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી, પોલીસે જણાવ્યું કે કેટલાક શખ્સોની ઓળખ થઈ ગઈ છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
એવામાં સોશિયલ મીડિયા પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ તોડફોડ કરનારા બજરંગદળના સાથે જોડાયેલા છે. સોશિયલ મીડિયા પર આ કૃત્યની ભારે ટીકા કરવામાં આવી રહી છે.
રાયપુરમાં દૃષ્ટિહીન છોકરી સાથે દુર્વ્યવહાર:
મધ્યપ્રદેશના જબલપુરમાં નાતાલના એક કાર્યક્રમ દરમિયાન ભાજપના જિલ્લા ઉપપ્રમુખ અંજુ ભાર્ગવે એક દૃષ્ટિહીન છોકરી પર દુર્વ્યવહાર કર્યો અને તેની સાથે ઝપાઝપી પણ હતી. ચોંકાવનારી વાત તો એ છે કે આ દરમિયાન પોલીસકર્મી બાજુમાં જ ઉભા હતાં.
આસામની શાળામાં VHP અને બજરંગ દળે તોડફોડ કરી:
આસામમાં પણ આવી ઘટના બની હતી. અહેવાલ મુજબ કથિત રીતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ સાથે જોડાયેલા લોકોએ નલબારી જિલ્લાના પાણીગાંવ ગામમાં આવેલી સેન્ટ મેરી સ્કૂલ આવેલી એક શાળામાં નાતાલની ઉજવણી દરમિયાન હોબાળો મચાવ્યો મચાવ્યો હતો અને ડેકોરેશન તોડીને આગ લગાવી દીધી. આ ઉપરાંત નાતાલની ઉજવણી માટેની સામગ્રીઓ વેચતી દુકાનોમાં પણ તોડફોડ કરી હતી.
તોડફોડ કરનારાઓએ ‘જય શ્રી રામ’ ના નારા લગાવ્યા હતા અને શાળા સંચાલકોને પરિસરમાં નાતાલની ઉજવણી ન કરવાની ધમકી આપી હતી.
પોલીસે મામલે નાલબારી જિલ્લાના VHP સચિવ ભાસ્કર ડેકા, જિલ્લા ઉપપ્રમુખ માનશ જ્યોતિ પટગિરિ, સહાયક સચિવ બીજુ દત્તા અને બજરંગ દળના જિલ્લા સંયોજક નયન તાલુકદારની ધરપકડ કરવામાં આવી છે.
કેરળમાં બાળકો પર હુમલાઓ:
આવી જ ઘટના કેરળના પલક્કડ જિલ્લામાં બની હતી. ગત રવિવારે રાત્રે બાળકોનું એક કેરોલ ગ્રુપ ખ્રિસ્તી સમુદાયના લોકોના ઘરે જઈ રહ્યું હતું, આ દરમિયાન એક શખ્સે બાળકો પર હુમલો કર્યો હતો. શખ્સની ઓળખ અશ્વિન રાજ તરીકે થઇ છે. તેણે કેરોલ ગ્રુપના બાળકોને ધમકાવ્યા અને તેમના બેન્ડ સેટ અને અન્ય વસ્તુઓ તોડી નાખી.
અહેવાલ મુજબ આ વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ(RSS)ની મજબૂત પકડ છે.
ખ્રિસ્તી સમુદાયમાં ડરનો માહોલ:
દેશમાં નાતાલની ઉજવણી દરમિયાન થયેલા આ હુમલા અંગે કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા (CBCI) ના પ્રમુખ આર્કબિશપ એન્ડ્રુઝ થાઝાથે ચિંતા વ્યક્ત કરી. એક વિડીયો મિસેજમાં તેમણે વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનોને કાયદાનો કડક અમલ કરાવવા અને દેશભરના ખ્રિસ્તી સમુદાયોને સુરક્ષા પૂરી પાડવા અપીલ કરી હતી.
આ પણ વાંચો…VB G RAM G બિલ: થરૂરે શાયરાના અંદાજમાં બિલનો વિરોધ કર્યો, શિવરાજસિંહે ટેકો આપ્યો



