નવરાત્રી નિમિત્તે વૈષ્ણોદેવીમાં ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર: ત્રણ દિવસમાં 32,000 લોકોએ કર્યાં દર્શન

કટરા: દેશમાં શારદીય નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં આવેલા માતા વૈષ્ણો દેવીના ગુફા મંદિરમાં ભક્તોનો પ્રવાહ શરૂ થયો છે. સોમવારથી અત્યાર સુધીમાં 32,000 થી વધુ શ્રદ્ધાળુઓએ માતાના દર્શન કર્યા છે.
વૈષ્ણો દેવી ખાતે યાત્રાળુઓ માટે ખાસ વ્યવસ્થા
નવરાત્રીના નવ દિવસીય ઉત્સવ માટે મંદિરને સુંદર ફૂલો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના એક અધિકારીના જણાવ્યા અનુસાર, “યાત્રા સરળતાથી ચાલી રહી છે. દરરોજ 12,000 થી 13,000 ભક્તો દર્શન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 32,000થી વધુ ભક્તોએ દર્શન માટે નોંધણી કરાવી છે.”
આ પણ વાંચો: ત્રણ અઠવાડિયા બાદ વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂ: ભૂસ્ખલનના કારણે થઈ હતી યાત્રા સ્થગિત
યાત્રાળુઓની સુવિધા માટે શ્રાઈન બોર્ડે 13 કિલોમીટર લાંબા યાત્રા માર્ગ પર સ્વયંસેવકોને તૈનાત કર્યા છે. પીવાના પાણી, તબીબી સહાય અને ભીડ વ્યવસ્થાપન જેવી વધારાની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત, સલામતી માટે વાયરલેસ કોમ્યુનિકેશન સેટ અને બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે, જેમાં પોલીસ, CRPF, અર્ધલશ્કરી દળો અને ઝડપી પ્રતિભાવ ટીમોનો સમાવેશ થાય છે.
અગાઉ સ્થગિત થઈ હતી યાત્રા
ઉલ્લેખનીય છે કે, 26 ઓગસ્ટના રોજ યાત્રાના માર્ગ પર થયેલા ભૂસ્ખલનને કારણે યાત્રા 22 દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી, જેમાં 34 લોકોનાં મોત થયાં હતાં. જોકે, 17 સપ્ટેમ્બરના રોજ યાત્રા ફરીથી શરૂ કરવામાં આવી હતી. આ વર્ષે નવરાત્રી ઉત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ઉજવાઈ રહ્યો છે.