વૈષ્ણોદેવી યાત્રા માર્ગે મોટી દુર્ઘટનાઃ ભૂસ્ખલનને કારણે પાંચના મોત, 14 ઘાયલ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે માતા વૈષ્ણવદેવીના યાત્રા માર્ગે ભૂસ્ખલનને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. પહાડી વિસ્તારોમાં લેન્ડસ્લાઈડ જેવી દુર્ઘટના અવારનવાર સર્જાતી હોય છે. આવી દુર્ઘટનામાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર અચાનક લેન્ડસ્લાઈડ થતા અનેક યાત્રાળુઓના જીવ જોખમમાં મુકાયા છે. જોરદાર ધમાકા સાથે મોટા પથ્થરો ધસી પડવાને કારણે પાંચ લોકોનાં મોત થયા છે, જ્યારે 14 લોકોને ઈજા પહોંચી છે.
ભૂસ્ખલનથી અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ
આજે વૈષ્ણોદેવી યાત્રા માર્ગમાં અર્ધકુંવારી પાસે અચાનલ ભૂસ્ખલન થયું હતું.પહાડી મલબો અને મોટો પથ્થરો ધસી ટ્રેક પર ધસી આવ્યો હતો. જેમાં અનેક શ્રદ્ધાળુઓ દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના પછી રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. બચાવ માટે સ્થાનિક પ્રશાસન અને પોલીસની સાથે એનડીઆરએફની ટીમને તહેનાત કરવામાં આવી છે.
મીડિયા સાથે વાત કરતા એક ઈજાગ્રસ્ત યુવતીએ જણાવ્યું કે, અમે ઉપરથી દર્શન કરીને આવી રહ્યા હતા. ત્યારે અચાનક પથ્થર આવીને પડ્યો હતો. જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મારી સાથે પાંચ લોકો હતા. જે પૈકી ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો: નવરાત્રિમાં માતા વૈષ્ણોદેવી જવાના છો? તો આ તમારી કામની વાત નોંધી લેજો નહીં તો….
ઈજાગ્રસ્તોને કટર ખાતેની હોસ્પિટલમાં ખસેડ્યાં
આ દુર્ઘટનાને લઈને તરત શ્રાઇન બોર્ડ અને સુરક્ષા દળો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ટ્રેક પર હાજર શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ભારે વરસાદમાં સુરક્ષાકર્મીઓ શ્રદ્ધાળુઓને દોરડા અને બેરિકેડિંગની મદદથી બહાર કાઢી રહ્યા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે કટરા ખાતેના હોસ્પિટલમાં પહોંચાડાયા છે.
ખરાબ હવામાનને કારણે આવતીકાલે રજા
દુર્ઘટનાને લઈને સ્થાનિક પ્રશાસન અને પોલીસની સાથોસાથ એનડીઆરએફની ટીમ એલર્ટ થઈ ગઈ છે. સલામતીના ભાગરુપે વૈષ્ણોદેવી યાત્રાને સ્થગિત કરવામાં આવે છે. અર્ધકુંવારીથી ભવન સુધી જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. દરમિયાન ખરાબ હવામાનને કારણે જમ્મુ ડિવિઝનમાં તમામ સરકારી અને ખાનગી સ્કૂલને આવતીકાલે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જ્મુ કાશ્મીરમાં બોર્ડ ઓફ સ્કૂલની પરીક્ષા સ્થગિત કરવાની અપીલ કરી છે. જમ્મુમાં ભરતી પરીક્ષા (કોન્સ્ટેબલ)ની પણ સ્થગિત કરે છે, જે ત્રીજી સપ્ટેમ્બરના લેવાશે.