વૈષ્ણોદેવી જાઓ છો? તો આ સમાચાર જાણીને તમને આનંદ થશે..
શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇનબોર્ડ દ્વારા વૈષ્ણોદેવી શક્તિપીઠ ખાતે દર્શનાર્થીઓ માટે એક આવકારદાયક નિર્ણય લેવાયો છે. મંદિરની જૂની ગુફા હવેથી દિવસમાં 2 વખત દર્શન માટે ખુલ્લી રાખવામાં આવશે. શ્રી માતા વૈષ્ણોદેવીની જૂની ગુફામાં દર્શન માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળતો હોય છે. જમ્મુ અને કાશ્મીરમાં આવેલું આ પવિત્ર યાત્રાધામ હિંદુઓની આસ્થાનુ કેન્દ્ર છે, તેમજ લાખો દર્શનાર્થીઓ જૂની ગુફાના દર્શનનો લાભ લેતા હોય છે.
ત્યારે હવે વૈષ્ણોદેવી મંદિર ટ્રસ્ટના સત્તાધીશો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે દિવસમાં 2 વાર તેને ખુલ્લી રાખવામાં આવશે, આમ દર્શન કરવા માટેનો સત્તાવાર સમય સવારે 10 વાગ્યાથી લઇને સાંજે 4 વાગ્યા સુધી અને રાત્રે 10:30 થી લઇને વહેલી સવારે 5 વાગ્યા સુધી ગુફા દર્શન માટે ખુલ્લી રહેશે. જેને પગલે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ આ સમય મુજબ તેમની યાત્રા ગોઠવી શકે તેમજ તેમને દર્શનનો લાભ પણ મળી રહે.
જમ્મુ-કાશ્મીરની ત્રિકુટાની પર્વતમાળામાં આ મંદિર આવેલું છે. દરવર્ષે દેશભરમાંથી લાખો દર્શનાર્થીઓ પવિત્ર ગુફાના દર્શન માટે આવતા હોય છે. વૈષ્ણોદેવી શક્તિધામ હિંદુ ધર્મના સૌથી પવિત્ર અને આદરણીય સ્થાન ધરાવતા ધાર્મિક સ્થળોમાંનું એક છે.
મૂળ ગુફાનો જે પ્રવેશદ્વાર છે તે સાંકડો હોવાને કારણે મોટાભાગે ગુફા બંધ રાખવામાં આવતી હતી. મંદિરની કુદરતી રચના જ એ પ્રકારની છે કે મંદિરથી લઇને મુખ્ય ગર્ભગૃહ સુધી પહોંચવા ઘણો સમય લાગી જાય છે. પહેલા દર્શનાર્થીઓને આવાગમનની સરળતા રહે એ માટે અમુક ભાગને ગુફામાંથી કોતરી બીજી 2 ગુફા બનાવવામાં આવી હતી. ખાસ કરીને વાર-તહેવાર હોય ત્યારે, મંદિરમાં યાત્રાળુઓની સંખ્યા ઘણી વધી જાય છે. જેથી આ નિર્ણય લેવાયો હતો.