WATCH: Nainitalમાં આગનો કહેર યથાવત; સતત બીજા દિવસે ભારતીય સેનાએ કરી મદદ, CM પુષ્કરે કરી આ અપીલ
નવી દિલ્હી : ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ (Nainital Forest Fire) બુઝાવાનું નામ નથી લઇ રહી. સતત બીજા દિવસે ભારતીય વાયુસેનાએ આગ ઓલવવામાં મદદ કરી હતી. જો કે, રવિવારે ઉત્તરાખંડમાં આગના આઠ નવા બનાવો નોંધાયા છે. ભારતીય વાયુસેનાનું MI-17 V5 હેલિકોપ્ટર આગ ઓલવવામાં લાગેલું છે. હેલિકોપ્ટરમાં લગાવવામાં આવેલી બમ્પી બકેટમાં એક સમયે 5000 લીટર પાણી ભરી શકાય છે, જે જંગલની આગ પર રેડવામાં આવે છે, પરંતુ હજુ સુધી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. રાજ્યની આપદાભારી સ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી પુશ્કરસિંહ ધામી (Pushkar Singh Dhami)એ અપીલ કરી હતી.
રવિવારે આગમાં 11.75 હેક્ટરમાં ફેલાયેલી વનસંપત્તિનો નાશ થયો હતો. શનિવારે આગના 23 નવા બનાવો નોંધાયા હતા. તેના કારણે 34.175 હેક્ટરમાં ફેલાયેલી વન સંપત્તિને નુકસાન થયું હતું. વન વિભાગના જણાવ્યા અનુસાર, નવેમ્બર 2023થી ઉત્તરાખંડના જંગલોમાં આગના 606 બનાવો નોંધાયા છે, જેના કારણે 735.815 હેક્ટર જંગલ સંપત્તિને નુકસાન થયું છે. કુમાઉના મુખ્ય વન સંરક્ષક પ્રસન્ન કુમાર રાવએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં આગનો કોઈ મોટો કેસ નોંધાયો નથી.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ લોકો પાસે મદદ માંગી છે. તેમણે ખટીમા ખાતે કહ્યું, “અમે ભારતીય સેના સહિત તમામ સંસ્થાઓની મદદ લઈ રહ્યા છીએ. આગ બુઝાવવા સ્થાનિક લોકો પાસેથી પણ મદદ લેવામાં આવી રહી છે. આ મામલે અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.” આગ નેપાળને અડીને આવેલા જંગલોમાં પણ પહોંચી છે. નૈનીતાલના રહેણાંક વિસ્તારોમાં આગ પહોંચવાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જંગલમાં આગ લગાડવા બદલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી એકે કહ્યું કે તેને તેના ઘેટાં ચરવા માટે લીલું ઘાસ જોઈતું હોવાથી તેણે જંગલોમાં આગ લગાવી દીધી.