ટોપ ન્યૂઝનેશનલ

ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: કામદારોને બચાવવા નવા એડવાન્સ મશીનથી ડ્રિલિંગ શરુ, આજે સફળતાની આશા

દેહરાદુન: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારા અને દાંડલગાંવ વચ્ચે નિર્માણાધીન ટનલનો એક ભાગ રવિવારે વહેલી સવારે ધરાશાયી થતા 40 જેટલા કામદારો ફસાયા છે. કામદારોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશનમાં ભૂસ્ખલનને કારણે સાતત બાધાઓ આવી રહી છે. ટેકનિકલ નિષ્ણાતોના જણાવ્યા મુજબ નવું જેક અને પુશ અર્થ ઓગર મશીનને ઈંસ્ટોલ કરવામાં આવ્યું છે. આજે ગુરુવારે કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે એવી આશા છે.

રાહત અને બચાવ અભિયાન સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપી હતી કે અમેરિકામાં બનેલું જેક અને પુશ અર્થ ઓગર મશીન જૂના મશીન કરતાં ઘણું એડવાન્સ છે, જે વધુ ઝડપે કામ કરશે. આ મશીનની મદદથી દર કલાકે 5 મીટરનો કાટમાળ દૂર કરી શકાય છે. સ્ટીલની પાઇપને કાટમાળની બીજી તરફ લઈ જવાનો પ્રયાસ કરાશે. હવે મિલિટરી ઓપરેશન ટીમ પણ રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે. આ સાથે એરફોર્સ અને આર્મી પણ બચાવ કાર્યમાં મદદ કરી રહી છે.

એરફોર્સના ત્રણ સ્પેશિયલ એરક્રાફ્ટ 25 ટન વજનનું મશીન લઈને આવ્યા હતા.એરફોર્સના હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા ત્રણ બેચમાં લાવવામાં આવેલા ઓગર મશીનના ભાગને ચિન્યાલીસૌર એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા. આ મશીનને ગ્રીન કોરિડોર દ્વારા સ્થળ પર લઈ જવામાં આવ્યું હતું. જેના દ્વારા ડ્રિલિંગ કરીને કામદારોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવશે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, કામદારોનેને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે નોર્વે અને થાઈલેન્ડની વિશેષ ટીમોની પણ મદદ લેવામાં આવી રહી છે. રેસ્ક્યુ ટીમે થાઈલેન્ડની એક રેસ્ક્યુ કંપનીનો સંપર્ક કર્યો છે. થોડા સમય પહેલા આ જ કંપનીએ થાઈલેન્ડની ગુફામાં ફસાયેલા બાળકોને બચાવ્યા હતા. બચાવ ટીમે ટનલની અંદરના ઓપરેશન માટે સૂચનો મેળવવા નોર્વેની એક એજન્સીનો પણ સંપર્ક કર્યો છે. આ ઉપરાંત, ભારતીય રેલ્વે સહીત દેશની અન્ય એજન્સીઓના નિષ્ણાતો પાસેથી પણ ટનલની અંદરના સંચાલનને લગતા સૂચનો લેવામાં આવી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button