દહેરાદૂન: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલનો એક ભાગ ધરાશાયી થતા 40 કામદારો પાંચ દિવસથી ફસાયેલા છે. 12 નવેમ્બરની સવારે ટનલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. અંદર ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે ગુરુવારે સવારે અમેરિકન ઓગર મશીન લગાવીને નવેસરથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન કેન્દ્રીય પ્રધાન વીકે સિંહ ગુરુવારે ટનલની અંદર જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે કામદારોને બચાવવામાં હજુ 2 થી 3 દિવસનો સમય લાગી શકે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે અમેરિકન જેક અને પુશ અર્થ ઓગર મશીનથી ડ્રિલિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. રાત સુધીમાં કાટમાળ નીચે 18 મીટર પાઇપ નાખવામાં આવી હતી. આ મશીન એક કલાકમાં પાંચથી છ મીટરનું ડ્રિલિંગ કરે છે, પરંતુ દોઢ કલાકમાં માત્ર ત્રણ મીટરપાઇપ કાટમાળમાં દાખલ કરી શકાય છે. પાઈપ વેલ્ડીંગ અને અલાઈનમેન્ટ યોગ્ય કરવામાં વધુ સમય લાગી રહ્યો છે. જો આ જ ગતિએ કામ ચાલુ રહેશે તો કામદારોને બહાર કાઢવામાં ઓછામાં ઓછા 48 કલાકનો સમય લાગી શકે છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે પુષ્ટિ કરી કે થાઈલેન્ડની ફર્મનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પહેલા કાટમાળની જાડાઈ 40-50 મીટર હતી, પરંતુ હવે તે 70 મીટર થઈ ગઈ છે. આથી બચાવ કામગીરીમાં સમય લાગી રહ્યો છે.
કેન્દ્રીય પ્રધાન વીકે સિંહે ઘટના સ્થળ પર જ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમારી પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે ફસાયેલા કામદારો સુરક્ષિત રહે અને તેઓને બને તેટલી વહેલી તકે ટનલમાંથી બહાર કાઢવામાં આવે. વડાપ્રધાન અને મુખ્ય પ્રધાન સહીત તમામ દરેક શક્ય રીતે મદદ કરી રહ્યા છે. તમામ સૂચનો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મેં કામદારો સાથે વાત કરી છે. તેમનું મનોબળ મજબૂત છે અને તેઓ જાણે છે કે સરકાર તેમને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
બુધવારે મોડી સાંજે ભારતીય વાયુસેનાના હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા નવા એડવાન્સ ઓગર મશીનને દિલ્હીથી ઉત્તરકાશી લાવવામાં આવ્યું હતું. કામદારોના બચાવ માટે નોર્વે અને થાઈલેન્ડની બચાવ ટીમની પણ સલાહ લેવામાં આવી રહી છે.