વાદળ ફાટવાની ઘટનાએ ઉત્તરાખંડમાં મચાવી તબાહી, કાટમાળમાં દટાઈ ગઈ અનેક ઈમારતો...

વાદળ ફાટવાની ઘટનાએ ઉત્તરાખંડમાં મચાવી તબાહી, કાટમાળમાં દટાઈ ગઈ અનેક ઈમારતો…

દહેરાદૂન: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાનાં ધારાલી ગામમાં વાદળ ફાટતા ભારે તબાહી મચી ગઈ છે. પુર બાદ ભૂસ્ખલન થતા અનેક ઘર-હોટલો તણાયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. જયારે અનેક લોકો ગુમ થયા હોવાના સમાચાર છે. દુર્ઘટના બાદ સેના-પોલીસ-SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

મળતી વિગતો અનુસાર ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વર્ષ 2025ના ચોમાસાની સૌથી મોટી વાદળ ફાટવાની ઘટના સામે આવી છે, જેમાં ઘણા લોકોના ગુમ થયાના અહેવાલો છે. ઉત્તરકાશીમાં હર્ષિલ નજીક ખીર ગાઢ વિસ્તારમાં આવેલી ધરાલીમાં વાદળ ફાટવાથી પહાડ પરથી કાટમાળનો ભારે પ્રવાહ આવ્યો, જેમાં અનેક મકાનો અને હોટેલો દબાઈ ગયા. આ ઘટના બાદ ઘણા લોકો ગુમ છે અને ઘણા લોકોના મૃત્યુ થવાની આશંકા છે.

વિડિયો થયો વાયરલ
વાદળ ફાટવાની દુર્ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભારે માત્રામાં પાણી સાથે મોટા-મોટા પથ્થરો અને કાટમાળ નીચેની તરફ આવે છે અને નદી કિનારે બનેલી ઇમારતોને તેના પ્રવાહમાં વહાવીને લઈ જાય છે. દુર્ઘટનામાં બે-ત્રણ માળની ઇમારતો પણ લગભગ સંપૂર્ણપણે કાટમાળમાં દટાઈ ગઈ છે. ઇમારતોની તો ફક્ત છત જ દેખાઈ રહી છે. મોટાભાગની ઇમારતો કાટમાળમાં દટાયેલી જોવા મળે છે.

પીએમ મોદીએ ટ્વિટર પર સંવેદના વ્યક્ત કરી
આ દુર્ઘટના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, ઉત્તરકાશીના ધરાલીમાં બનેલી આ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ સાથે જ, હું તમામ પીડિતોની સલામતી માટે પ્રાર્થના કરું છું. મેં મુખ્ય પ્રધાન પુષ્કર ધામી સાથે વાત કરીને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી છે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ રાહત અને બચાવ ટીમો દરેક સંભવ પ્રયાસ કરી રહી છે. લોકો સુધી મદદ પહોંચાડવામાં કોઈ કસર છોડવામાં આવશે નહીં.

રાહુલ ગાંધીએ પણ સંવેદના વ્યક્ત કરી
લોક્સભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, “ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટવાથી આવેલી ભારે તબાહીને કારણે અનેક લોકોના મૃત્યુ અને અન્ય ઘણાના ગુમ થવાના સમાચાર અત્યંત દુઃખદ અને ચિંતાજનક છે.

અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ગુમ થયેલા લોકોને વહેલી તકે શોધી કાઢવાની આશા રાખું છું. હું વહીવટીતંત્રને રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવવા અપીલ કરું છું. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને વિનંતી છે કે તેઓ રાહત કાર્યોમાં વહીવટીતંત્રને સહકાર આપે અને જરૂરિયાતમંદ લોકોને શક્ય તમામ મદદ કરે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button