દહેરાદૂન: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બ્રહ્મખાલ અને યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન સિલ્ક્યારા ટનલનો એક ભાગ ગત રવિવારે સવારે ધરાશાયી થયા બાદ શુક્રવારે છઠ્ઠા દિવસે પણ ફસાયેલા કામદારોને બચાવવામાં સફળતા મળી ન હતી. ડ્રિલિંગ દરમિયાન જોરદાર અવાજ આવતા બચાવ કામગીરી અટકાવી દેવામાં આવી હતી. ડ્રિલિંગ કામ માટે વપરાઈ રહેલા અમેરિકન હેવી ઓગર્સ મશીનના માર્ગમાં એક ખડક આવી જવાને કારણે બપોરે રેસ્ક્યુ ઓપરેશન અટકાવવામાં આવ્યું હતું.
સુત્રોના જણાવ્યા મુજબ લગભગ 25 મીટર સુધી ડ્રિલિંગ કર્યા બાદ મશીન કેટલીક કોઈ ધાતુ સાથે અથડાયું હોય એવો જોરદાર અવાજ આવ્યો હતો, જેને કારણે બાદ બચાવ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. બચાવ અધિકારીઓએ નિષ્ણાતોની બેઠક બોલાવી હતી.
નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, બપોરે 2:45 વાગ્યે કામ દરમિયાન અધિકારીઓ અને ટનલની અંદર કામ કરી રહેલી ટીમે જોરદાર અવાજ સાંભળ્યો. અવાજ એટલો જોરદાર હતો કે રેસ્ક્યુ ટીમમાં ગભરાઈ ગઈ હતી. એવી સંભાવના છે કે ટનલનો વધુ ભાગ તૂટી શકે છે. તેથી, સાવચેતીના પગલા તરીકે, અમે હાલ માટે પાઇપને ધકેલવાનું કામ અટકાવ્યું છે.
અધિકારીએ જણાવ્યું કે, ગેસ કટરનો ઉપયોગ કરીને ધાતુના ભાગને કાપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડ્રિલિંગનું કામ હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે. ઈન્દોરથી અન્ય મશીનને એરલિફ્ટ કરી રહ્યા છે, તે શનિવારે સવારે સ્થળ પર પહોંચી જશે. ડ્રિલિંગ હોલ્સ કરતાં કાટમાળમાં પાઈપો નાખવામાં વધુ સમય લાગે છે.
અધિકારીએ જણાવ્યું કે આ ડીઝલથી ચાલતું મશીન છે જે બંધ જગ્યાએ કામ કરી રહ્યું છે, તેથી અમુક સમયાંતરે ધુમાડાનો નિકાલ અને હવાની આપૂર્તિ પણ જરૂરી છે. મશીન ચાલવાથી વાઇબ્રેશન પણ થાય છે, જેના કારણે આસપાસનું સંતુલન ખોરવાય છે અને કાટમાળ પડવાની શક્યતા રહે છે.
સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર આ માહિતી આપતાં વાયુસેનાએ જણાવ્યું કે ઈન્દોરથી દહેરાદૂન સુધી લગભગ 22 ટન મહત્વપૂર્ણ ઉપકરણોને એરલિફ્ટ કરવા માટે એરફોર્સના C-17 એરક્રાફ્ટને તૈનાત કરવામાં આવ્યું છે.
નિષ્ણાતોના મતે, એવો અંદાજ છે કે ટનલનો કાટમાળ 60 મીટરની ફેલાયેલો છે. એવી પણ આશંકા છે કે કાટમાળ 60 મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો હોઈ શકે છે. આવી સ્થિતિમાં બચાવ કામગીરીમાં વધુ મુશ્કેલી આવી શકે છે.
ચારધામ પ્રોજેક્ટ હેઠળ આ ટનલ બ્રહ્મખાલ અને યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારા અને દાંડલગાંવ વચ્ચે બનાવવામાં આવી રહી છે. આ અકસ્માત 12 નવેમ્બરે સવારે 4 વાગ્યે થયો હતો. 4.5 કિલોમીટર લાંબી ટનલનો એક ભાગ તૂટી પડ્યો. ટનલના એન્ટ્રી પોઈન્ટથી 200 મીટરના અંતરે માટીનું પડ તૂટી પડતા કામદારો અંદર ફસાઈ ગયા હતા. આ કામદારો બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના છે.
પાઈપો દ્વારા તેમને ઓક્સિજન, વીજળી, દવાઓ અને પાણીનો સતત સપ્લાય કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે કામદારો સાથે સતત વાતચીત ચાલી રહી છે અને વચ્ચે તેમના પરિવારજનો સાથે પણ વાત કરવામાં આવી રહી છે. વડા પ્રધાન ઓફીસ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટેના બચાવ અભિયાન પર નજર રાખી રહ્યા છે. ઉત્તરાખંડ સરકારે ઘટનાની તપાસ માટે 6 સભ્યોની સમિતિની રચના કરી છે. કમિટીએ તેની તપાસ પણ શરૂ કરી દીધી છે.