
દેહરાદુન: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવારે વહેલી સવારે બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેને કારણે 40 જેટલા કામદારો ટનલની અંદર ફસાયા છે. ફસાયેલા કામદારોને બચાવવા માટે આખી રાત મલ્ટી એજન્સી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (એસડીઆરએફ) અને રાજ્યની પોલીસ દ્વારા રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. સોમવારે સવારે આ ઘટનાને 24 કલાક થયા સુધીમાં 15 થી 20 મીટર કાટમાળ હટાવવામાં આવ્યો હતો.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તમામ કામદારો સુરક્ષિત છે અને તેમને પાઈપ દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. અમે ફસાયેલા કામદારોના સતત સંપર્કમાં છીએ.
અધિકારીએ જણાવ્યું કે ફસાયેલા કામદારોને પાણી અને ખોરક પણ મોકલવામાં આવી રહ્યા છે. ટનલનો તૂટી ગયેલો ભાગ પ્રવેશદ્વારથી લગભગ 200 મીટરના અંતરે સ્થિત છે, ટનલનો લગભગ 30-35 મીટરનો ભાગ તૂટી પડ્યો હતો, ટનલને ખોલવા માટે અત્યાર સુધીમાં લગભગ 20 મીટર કાટમાળદૂર કરવામાં આવ્યો છે. રેસ્ક્યુ ટીમ એક્સેવેટર અને અન્ય હેવી મશીનોનો ઉપયોગ કરીને કાટમાળ હટાવી રહી છે.
મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે ઘટનાની માહિતી મળ્યા બાદ તેઓ સતત અધિકારીઓના સંપર્કમાં છે. તેણે કહ્યું કે ભગવાનને પ્રાર્થના છે કે બધા જલ્દી સુરક્ષિત રીતે બહાર આવે.