ટોપ ન્યૂઝનેશનલ

ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના: ફસાયેલા કામદારોની પ્રથમ તસવીરો બહાર આવી, પહેલીવાર મળ્યું ગરમ ભોજન

દહેરાદુન: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં નિર્માણાધીન બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઇવે પર સિલ્ક્યારા પાસે ટનલનો એક ભાગ તૂટી પડવાને કારણે ફસાયેલા 41 કામદારોને બચાવવાના પ્રયાસો નવામા દિવસે પણ સફળ થયા ન હતા. ઇન્ટરનેશનલ ટનલિંગ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સ સોમવારે ઉત્તરકાશી પહોંચ્યા હતા, તેમણે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. નિષ્ણાતોની ટીમ આજે મંગળવારે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી માકાદારોને બચાવવા પ્રયાસ કરશે.

બચાવ અભિયાન માટે કામ કરી રહેલ કામદારો સોમવારે કામ છોડીને બહાર આવી ગયા હતા. તેમણે કહ્યું, તેમના માટે  યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈએ, નહીં તો તેઓ પણ અહીં ફસાઈ શકે છે. અધિકારીના જણાવ્યા મુજબ  હાઈવે ઓથોરીટી તેમના માટે એસ્કેપ ટનલ બનાવી રહ્યું છે, જેનું કામ અંતિમ તબક્કામાં છે.

ટનલની અંદરની માટી ખૂબ જ ઢીલી છે, ઘણી જગ્યાએ પાણી પણ નીકળી રહ્યું છે. ગયા અઠવાડિયે આવેલા ભૂકંપ બાદ ટનલની અંદર ખડકો તૂટવાનો અવાજ પણ સંભળાયો હતો. ટનલની અંદર રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ભારે ધૂળ ઊડી રહી, જે ગેટની બહાર સુધી દેખાય છે. અંદરના તમામ કર્મચારીઓ અને મજૂરોને માસ્ક આપવામાં આવ્યા છે.

બચાવ કામગીરીના નવમા દિવસે સોમવારે બીજી છ ઇંચની પાઇપ ટનલની અંદર ફસાયેલા કામદારો સુધી પહોંચાડવામાં આવી હતી. આ પાઈપ દ્વારા તેમને વધુ ખાદ્ય ચીજો, ફળો, ઈંડા વગેરે મોકલવામાં આવી રહ્યા છે. મોડી સાંજે બોટલમાં ખિચડી ભરીને કામદારોને મોકલવામાં આવી હતી. આ પહેલીવાર છે જ્યારે કામદારોને ગરમ ખોરાક મોકલવામાં આવ્યો હોય. અગાઉ લગાવેલી પાઈપ સાંકડી હોવાને કારણે તેમને માત્ર ડ્રાયફ્રૂટ્સ અને મમરા જેવી વસ્તુઓ જ મોકલી શકાતી હતી.

બચાવ અભિયાન માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના બે રોબોટ આવી ઘટના સ્થળે પહોંચી ગયા છે. જેમાંથી એક 50 કિલો અને બીજો 20 કિલોનો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, રોબોટ પહેલા દિવસે સારું પરિણામ આપી શક્યું નથી. હવે મંગળવારે ફરી તેને કામ પર લાગવાવમાં આવશે.

બારકોટ છેડેથી ટનલમાં ડ્રિલિંગનું કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું. આ માટે આઠથી 10 લોકોની ટીમ કામ કરી રહી છે. અહીંથી બેથી અઢી મીટર વ્યાસની ટનલ તૈયાર કરવામાં આવશે.

દરમિયાન, સુરંગમાં ફસાયેલા કામદારોની પ્રથમ તસવીરો સામે આવી છે. સામે આવેલી તસવીરોમાં ટનલમાં ફસાયેલા કામદારો સેફ્ટી હેલ્મેટ પહેરેલા જોવા મળે છે. આટલા દિવસોથી યોગ્ય ભોજન અને સૂર્યપ્રકાશ ન મળવાને કારણે કેટલાકના શરીર નબળા પડી ગયા છે.

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે સિલ્ક્યારા ટનલની અંદર ફસાયેલા કામદારોના પરિવારજનો જે અહીં આવવા માંગે છે, તેમના માટે પરિવહનનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. જરૂરિયાતમંદ પરિવારના સભ્યો માટે મોબાઈલ રિચાર્જ, ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

બ્રહ્મખાલ-યમુનોત્રી હાઈવે પર નિર્માણાધીન 4.5 કિમી લાંબી સિલ્ક્યારા ટનલનો એક ભાગ 12 નવેમ્બરના રોજ તૂટી પડ્યો હતો. ચારધામ પ્રોજેક્ટ હેઠળ આ ટનલ બ્રહ્મખાલ અને યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારા અને દાંડલગાંવ વચ્ચે બનાવવામાં આવી રહી છે. આ અકસ્માત 12 નવેમ્બરે સવારે 4 વાગ્યે થયો હતો. ટનલના એન્ટ્રી પોઈન્ટના 200 મીટરની અંદર 60 મીટર સુધી માટી ધસી ગઈ હતી. 41 મજૂરો અંદર ફસાયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button