
દહેરાદૂન : ઉત્તરાખંડમાં નવા વર્ષથી ચાર ધામ યાત્રા સહિત પ્રવાસ મોંધો થશે. જેમાં 1 જાન્યુઆરી 2026 થી બીજા રાજયોમાંથી આવતા વાહનો પર ગ્રીન સેસ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ અંગે સરકારનું કહેવું છે આ પગલું પર્યાવરણના સંરક્ષણ અને મહેસૂલી આવક વધારવા માટે લેવામાં આવ્યું છે. જેની આડકતરી અસર પ્રવાસીઓ અને શ્રધ્ધાળુઓ પર પડશે.
1 જાન્યુઆરી 2026થી અમલ
આ અંગે ઉત્તરાખંડ સરકારે જણાવ્યું છે કે, 1 જાન્યુઆરી 2026થી રાજ્યમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનોએ રૂપિયા 80 થી રૂપિયા 700 સુધીનો ગ્રીન સેસ ચૂકવવો પડશે. આ અંગે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પરિવહન વિભાગને આ સિસ્ટમ ટૂંક સમયમાં લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે છેલ્લા બે વર્ષમાં આ યોજનાને યોગ્ય રીતે લાગુ કરવામાં નિષ્ફળતા બદલ અધિકારીઓને પણ ઠપકો પણ આપ્યો હતો.
રૂપિયા 80 થી રૂપિયા 700 સુધીનો ગ્રીન સેસ
કયા વાહન પર કેટલો ગ્રીન સેસ લાગુ પડશે તે અંગે પણ માહિતી આપવામાં આવી છે. જેમાં (1) ભારે વાહનો: એક્સલ લોડના આધારે રૂપિયા 450 થી રૂપિયા 700 (2 )ભારે બાંધકામ સાધનોના વાહનો: રૂપિયા 250, (3) 7.5 થી 18.5 ટન વજનના વાહનો: રૂપિયા 250, (4)3 થી 7.5 ટન વજનના હળવા માલસામાનના વાહનો: રૂપિયા120, (5) ત્રણ ટન સુધીની ડિલિવરી વાન: રૂપિયા 80, (6) 12 થી વધુ સીટ ધરાવતી બસો: રૂપિયા 140, (7)
મોટરકેબ, મેક્સીકૅબ અને પેસેન્જર કારના રૂપિયા 80 વસુલવામાં આવશે.
સંપૂર્ણપણે ડિજિટલ રીતે ગ્રીન સેસ વસૂલવાની યોજના
આ અંગે ઉત્તરાખંડ સરકાર સરકાર ફાસ્ટટેગ દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ રીતે ગ્રીન સેસ વસૂલવાની યોજના ધરાવે છે. જેની માટે રાજ્યની સરહદો પર 16 સ્થળોએ ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા લગાવવામાં આવ્યા છે. જો કોઈ વાહનમાં ફાસ્ટટેગ નહી હોય અથવા બેલેન્સ ખતમ થઈ જાય તો વાહન માલિકને નોટિસ મોકલવામાં આવશે. તેમજ નિર્ધારિત સમયમર્યાદામાં સેસ ચૂકવવામાં નિષ્ફળતાના પરિણામે ચલણ મોકલવામાં આવશે.
ફી એક દિવસ માટે માન્ય રહેશે
તેમજ આ ફી એક દિવસ માટે માન્ય રહેશે. જોકે, વારંવાર આવતા વાહન માલિકોને રાહત આપવામાં આવી છે. જેમાં 20 ગણી ફી ભરીને ત્રણ મહિના માટે મુક્તિ મેળવી શકાય છે અને 60 ગણી ફી ભરીને એક વર્ષ માટે મુક્તિ મેળવી શકાય છે.
આ પણ વાંચો…બદ્રીનાથના દ્વાર બંધ થવાથી ચારધામ યાત્રા સંપન્નઃ આ વર્ષે 16.60 લાખ ભક્તોએ કર્યાં દર્શન



