ઉત્તરાખંડમાં પિથૌરાગઢ ભૂસ્ખલન! એનએચપીસી ટનલમાં હજી પણ 11 લોકો ફસાયેલા

પિથૌરાગઢ, ઉત્તરાખંડઃ ઉત્તર ભારતમાં અત્યારે ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વધારે વિકટ બની રહી છે. અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું હોના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. ફરી એકવાર ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ભૂસ્ખલનના કારણે NHPC ટનલનું મુખ બંધ થઈ ગયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. NHPC ટનલનું મુખ બંધ થતા ટનલમાં 19 લોકો ફસાયા હતા. જેમાંથી 8 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 11 લોકો હજુ પણ ટનલમાં ફસાયેલા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ટૂંક સમયમાં 11 લોકોને પણ બહાર કાઢવામાં આવશેઃ પિથોરાગઢના ડીએમ
આ સમગ્ર મામલે પિથૌરાગઢના ડીએમ વિનોદ ગિરી ગોસ્વામીએ કહ્યું કે, પરિસ્થિતિ અત્યારે સામાન્ય છે. ટૂંક સમયમાં 11 લોકોને પણ બહાર કાઢવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે NHPCની એક ટનલને નુકસાન થયું હતું. ટનલના ઉપરના ભાગને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. અહીં કચરો નદીમાં ફેંકવામાં આવે છે જેથી ટનલ કાટમાળથી ભરાઈ હતી તેવું સ્થાનિકોએ કહ્યું છે.
19 શ્રમિક પાવર હાઉસની અંદર ફસાઈ ગયા હતા
ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લાના ધારચુલા નજીક એલાગઢ વિસ્તારમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનના કારણે ધૌલીગંગા પાવર પ્રોજેક્ટની સામાન્ય અને ઈમરજન્સી ટનલ તરફ જતો બંધ થઈ ગયો હતો. જેના કારણે નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડના 19 શ્રમિક પાવર હાઉસની અંદર ફસાઈ ગયા હતા. જો કે, તેમાંથી 8 લોકોને બચાવીને લેવામાં આવ્યાં હતા. બાકીના લોકો સુરક્ષિત હોવાથી તેમને પણ સત્વરે બચાવી લેવામાં આવશે.