દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં(Uttarakhand) ચોમાસાએ તબાહી મચાવી છે. સમગ્ર રાજ્ય ભારે વરસાદની ઝપેટમાં છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 16 લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ભારે વરસાદ બાદ ચારધામ યાત્રાને પણ અસર થઈ છે. ટ્રેક રૂટ પર ભીમભાલી નજીક ભૂસ્ખલન બાદ કેદારનાથ ખીણ સંપૂર્ણ પણે કપાઈ ગઈ હતી જેમાં લગભગ 450 લોકો ફસાઈ ગયા હતા. કેદારનાથ હાઇવે સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચે ધોવાઇ ગયો હતો. જેના કારણે ચારધામ સુધીની યાત્રા રોકી દેવામાં આવી છે
મુસાફરીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું
જ્યારે રાજ્યમાં ભારે વરસાદની અસરને જોતા સરકાર અને વહીવટીતંત્ર ઉત્તરાખંડ વરસાદની આફતને પહોંચી વળવા પ્રયાસો કરી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. પહાડો પર લોકોની મુસાફરીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કેદારનાથ યાત્રા સ્થગિત રોકી દેવાઈ
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પોતે સમગ્ર મામલાની દેખરેખમાં વ્યસ્ત છે. સીએમ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેદારનાથ ટ્રેકિંગ રૂટ પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થવાને કારણે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રાને હાલ માટે રોકી દેવામાં આવી છે.
1100 લોકોને વૈકલ્પિક માર્ગ દ્વારા સલામત સ્થળે ખસેડાયા
સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય વાયુસેના શુક્રવારથી કેદારનાથમાં ચાલી રહેલા બચાવ અભિયાનમાં જોડાશે. SDRF કમાન્ડન્ટ મણિકાંત મિશ્રાએ જણાવ્યું કે કેદારનાથ યાત્રાના માર્ગ પર ભીમ્બલી, રામબાડા, લિંચોલીમાં ફસાયેલા લગભગ 425 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. સોનપ્રયાગ અને ભીંબલી વચ્ચે ફસાયેલા લગભગ 1100 લોકોને વૈકલ્પિક માર્ગ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.