
અમદાવાદ : ઉત્તરાખંડમાં સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપ-વે સેવા શરૂ કરવામાં આવશે. જેની માટેનો કોન્ટ્રાક્ટ અદાણી એન્ટરપ્રાઈઝ્સ લિમીટેડને આપવામાં આવ્યો છે.
આ 12.9 કિમી લાંબા રોપવે માટે અદાણી ગ્રુપ રૂપિયા 4081 કરોડનું રોકાણ કરશે. રોપ વે બન્યા બાદ સોનપ્રયાગ થી કેદારનાથ મંદિર સુધીનો મુસાફરીનો સમય 8 કલાકથી ઘટીને માત્ર 36 મિનિટ થઈ જશે.
ભક્તિ અને આધુનિક માળખાગત સુવિધાઓ વચ્ચેનો સેતુ : ગૌતમ અદાણી
આ અંગે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે કેદારનાથ રોપવે પ્રોજેક્ટ ભક્તિ અને આધુનિક માળખાગત સુવિધાઓ વચ્ચેનો સેતુ છે.
આ પવિત્ર યાત્રાને સુરક્ષિત, ઝડપી અને વધુ સુલભ બનાવીને અમે લાખો લોકોની શ્રદ્ધાનું સન્માન કરીએ છીએ.
અમે NHLML અને ઉત્તરાખંડ સરકાર સાથેની અમારી ભાગીદારી દ્વારા ઉત્તરાખંડના લોકો માટે નવી તકો પણ ઊભી કરીએ છીએ. આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ ફક્ત રાષ્ટ્રની સેવા જ નહીં પરંતુ માળખાગત સુવિધાઓના નિર્માણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
અદાણી ગ્રુપ 29 વર્ષ સુધી રોપવેનું સંચાલન કરશે
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે લગભગ 20 લાખ યાત્રાળુઓ કેદારનાથની મુલાકાત લે છે. આ અંગે કંપનીએ જણાવ્યું હતું કે બાંધકામ કાર્ય છ વર્ષ ચાલશે.
અદાણી ગ્રુપ 29 વર્ષ સુધી રોપવેનું સંચાલન કરશે. આ પ્રોજેક્ટ કનેક્ટિવિટી સુધારવાની સાથે ઉત્તરાખંડમાં રોજગારીનું સર્જન અને પ્રવાસનને વેગ આપશે.
આ પણ વાંચો…હવે કેદારનાથની યાત્રા થશે આટલી સરળ, ટ્રેન નહીં એક નવો પ્રોજેક્ટ લાવ્યા છે રેલમંત્રી