બહરાઇચ: ઉત્તર પ્રદેશના બહરાઈચમાં રવિવારે દુર્ગા મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલી હિંસા (Bahraich violence) શાંત નથી થઇ રહી. સોમવારે ફરી કેટલાક અસામાજિક તત્વોએ દુકાનો, હોસ્પિટલો અને શોરૂમમાં આગ લગાવી હતી. વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત છે, તેમ છતાં મોડી રાત્રે નકવા ગામમાં મઝારમાં તોડફોડ કરવામાં આવી હતી, અને આગ ચાંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અહેવાલ મુજબ સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યે અસામાજિક તત્વોએ નકવા ગામમાં આતંક મચાવ્યો હતો. નકવા ગામના આગેવાને જણાવ્યું કે 10 થી 15 લોકોએ ભેગા મળીને આગ ચાંપી દીધી હતી. આગ લગાવ્યા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. પોલીસને જોતા જ આરોપીઓ ભાગી ગયા હતા.
ટોળાએ એક મઝારને તોડવાનો પ્રયાસ કર્યો છે. ગ્રામજનોએ જણાવ્યું કે મઝારને તોડીને તેને આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન, બે સમુદાયો વચ્ચે અથડામણ થઇ હતી. આ દરમિયાન પથ્થરમારા અને ગોળીબારમાં રામ ગોપાલ મિશ્રા (22) નામના યુવકનું મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ સમાચાર ફેલાતાં જ સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી હયો ગયો હતો.
હજારો લોકો લાકડીઓ સાથે રસ્તા પર આવી ગયા અને તોડફોડ અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા.
પોલીસે ચાર્જ સંભાળ્યો પણ પરિસ્થિતિ કાબૂ બહાર થઇ ગઈ હતી. 14 ઓક્ટોબરની બપોર સુધી હોબાળો ચાલુ રહ્યો હતો. ટોળાએ એક હોસ્પિટલને સળગાવી દીધી હતી. અંદરનું એક્સ-રે મશીન તોડી નાખ્યું. નજીકના મેડિકલ સ્ટોરને પણ આગ ચાંપવામાં આવી હતી. એટલું જ નહીં બદમાશોએ બાઇકનો શોરૂમ પણ સળગાવી દીધો હતો.