
મથુરાઃ મથુરામાં મંગળવારે રાત્રે ટ્રેન અકસ્માત થયો હતો. અહીં ગાઝિયાબાદથી આવી રહેલી EMU ટ્રેન પાટા છોડીને પ્લેટફોર્મ પર ચઢી ગઈ હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી અને લોકો ચીસો પાડવા માંડ્યા હતા. અવાજ સાંભળીને અધિકારીઓ દોડી આવ્યા હતા.
ઉત્તર પ્રદેશના મથુરા જંક્શન પર મંગળવારે રાત્રે ટ્રેન અકસ્માત થયો હતો. શકુરબસ્તી-મથુરા EMU ટ્રેનનો મથુરા જંકશન પર આવવાનો સમય રાત્રે 10.49 વાગ્યાનો છે. ટ્રેન સમયસર પ્લેટફોર્મ નંબર બે પર પહોંચી હતી. આ દરમિયાન તમામ મુસાફરો નીચે ઉતરી ગયા હતા. ટ્રેનને પ્લેટફોર્મના દિલ્હી છેડે રોકી દેવામાં આવી હતી.
આ દરમિયાન અચાનક ટ્રેન ચાલુ થઈ જતાં રેલવે કર્મચારીઓ એન્જિનને બંધ કરવા માટે ચઢી ગયા હતા. કોઈ કંઈ સમજે તે પહેલા ટ્રેનના એન્જિનનો ભાગ પ્લેટફોર્મ પર ચઢી ગયો હતો. આ એન્જિન સાથે બોગી જોડાયેલ હતી. એન્જિન સાથેની બોગી પણ પ્લેટફોર્મ પર ચઢી ગઈ હતી. જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી રહી હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિને ત્યાં પડેલી ઈંટો અથડાતા તે ઇજાગ્રસ્ત થયો હતો. OEH તૂટવાને કારણે આ પ્લેટફોર્મ પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
ઘટનાની માહિતી મળતાં જ રેલવે અને જીઆરપીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ એવું માનવામાં આવે છે કે એન્જિન રોકવા આવેલા કર્મચારીઓએ ખોટું બટન દબાવ્યું હતું જેના કારણે ટ્રેન આગળ વધી હતી. આરપીએફના ઇન્સ્પેક્ટર અવધેશ ગોસ્વામીએ જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ પ્લેટફોર્મ નંબર-2 પરથી ટ્રેનોની અવરજવર બંધ થઇ ગઇ હતી. ત્રણ, ચાર અને પાંચ નંબરના પ્લેટફોર્મ પરથી મોડી રાત્રિની બાકીની ટ્રેનોની અવરજવર કરવામાં આવી હતી.