મહિલાઓ વિરુદ્ધના અપરાધોમાં ઉત્તર પ્રદેશ મોખરેઃ મહારાષ્ટ્રમાં નોંધાયા આટલા ગુના
નવી દિલ્હીઃ વર્ષ ૨૦૨૩માં મહિલાઓ વિરુદ્ધ અપરાધોની ૨૮,૮૧૧ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં સૌથી વધુ એટલે કે ૫૫ ટકા ઉત્તરપ્રદેશ રાજ્યની હતી. રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ) દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા ડેટામાં આ આંકડો પ્રકાશમાં આવ્યો છે.
રાષ્ટ્રીય મહિલા આયોગના આંકડા અનુસાર સૌથી વધુ ફરિયાદો પ્રતિષ્ઠાના અધિકારની શ્રેણીમાં પ્રાપ્ત થઇ હતી. જેમાં ઘરેલું હિંસા ઉપરાંત ઉત્પીડનનો સમાવેશ થાય છે. જેની સંખ્યા ૮,૫૪૦ હતી. ત્યારબાદ ઘરેલું હિંસાની ૬,૨૭૪ ફરિયાદો આવી હતી.
ડેટા અનુસાર દહેજ ઉત્પીડનની ૪,૭૯૭ ફરિયાદ, છેડતીની ૨,૩૪૯ ફરિયાદ, મહિલાઓની ફરિયાદો સામે પોલીસની ઉદાસીનતાને લગતી ૪,૭૯૭ અને બળાત્કાર અને બળાત્કારના પ્રયાસની ૧,૫૩૭ ફરિયાદ હતી. તેમાં જાતિય સતામણીની ૮૦૫, સાઇબર ક્રાઇમની ૬૦૫, સ્ટોકિંગની ૪૭૨ અને ઓનર ક્રાઇમ્સની ૪૦૯ ફરિયાદ નોંધાઇ હતી.
ડેટા અનુસાર ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ ૧૬,૧૦૯ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ દિલ્હીમાં ૨,૪૧૧, મહારાષ્ટ્રમાં ૧,૩૪૩ ફરિયાદ નોંધાઇ હતી.
બિહારમાં ૧,૩૧૨, મધ્યપ્રદેશમાં ૧,૧૬૫, હરિયાણામાં ૧,૧૧૫, રાજસ્થાનમાં ૧,૦૧૧, તામિલનાડુમાં ૬૦૮, પશ્ચિમ બંગાળમાં ૫૬૯ અને કર્ણાટકમાં ૫૦૧ ફરિયાદો નોંધાઇ હતી. ૨૦૨૨ પછી ફરિયાદોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. ૨૦૨૨માં ૩૦,૮૬૪ ફરિયાદો મળી હતી, જે ૨૦૧૪ બાદની સૌથી વધુ હતી.