કાનપુરમાં વિસ્ફોટ: બે સ્કૂટરમાં બ્લાસ્ટ થતા 8 જણ ઘાયલ, ષડયંત્ર કે પછી…

કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં બે સ્કૂટરમાં વિસ્ફોટ થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રસ્તાની બાજુમાં પાર્ક કરેલા બે સ્કૂટરમાં અગમ્ય કારણોસર વિસ્ફોટ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં આઠથી વધારે લોકો ઘાયલ પણ થયાં છે. તમામ ધાયલ લોકોને સત્વરે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. કાનપુરમાં સ્કૂટર રમકડા બજાર પાસે આ બે સ્કૂટર પાર્ક કરેલા હતા, તે દરમિયાન અચાનક તેમાં વિસ્ફોટ થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.
કાનપુરમાં રમકડા બજાર પાસે પાર્ક કરેલા હતા આ સ્કૂટર
ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ આ મામલે જણાવ્યું કે, સ્કૂટર રમકડા બજાર પાસે પાર્ક કરેલા હતા. તે દરમિયાન અચાનક તેમાં બ્લાસ થયો હતો. પોલીસે આપેલી જાણકારી પ્રમાણે આઠથી વધારે લોકો ઘાયલ થયા હોવાથી તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. પોલીસે સ્કૂટરના નંબર લઇને તપાસ શરૂ કરી છે. એટલું જ નહીં પરંતુ ફોરેન્સિકની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને ઘટનાનો તાગ મેળવવાની કામગીરી હાથ ધરી છે.
વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોમાં એક મહિલા પણ સામેલ
વિસ્ફોટની આ ઘટના સાજં 7:15 વાગ્યા આસપાસ બની હતી. જે લોકો ઘાયલ થયા છે તેમાં એક મહિલા પણ સામેલ છે. તમામ ઘાયલો ખતરાથી બહાર છે અને તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે અને ફોરેન્સિકની ટીમ લોકો સાથે પણ પૂછપરછ કરી રહી છે. આખરે કેવી રીતે બે સ્કૂટરમાં બ્લાસ્ટ થયો? તે મામલે કોઈ જાણકારી હજી સુધી મળી નથી. આ અકસ્માત હતો કે કોઈએ જાણી જોઈને કાવતરૂ ઘડ્યું હતું? આ બન્ને દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
વિસ્ફોટનો પડઘો લગભગ 500 મીટર દૂર સુધી સંભળાયો
સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો પડઘો લગભગ 500 મીટર દૂર સુધી સંભળાયો હતો. અવાજથી લોકો ગભરાઈ ગયા અને ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. ઘટના બાદ તરત જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અધિકારીઓ વિસ્ફોટના કારણની તપાસ કરી રહ્યા છે અને વિસ્તારમાં લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને તપાસ હાથ ધરી હતી.
આપણ વાંચો : બિહાર ચૂંટણી સ્પેશિયલઃ રામવિલાસ પાસવાનને શ્રદ્ધાંજલિ આપી તેજસ્વી યાદવે આપ્યા મોટા સંકેતો?, જાણો નવી અપડેટ