યુપીમાં પૂર વચ્ચે યોગી સરકારના પ્રધાનના બેજવાબદાર બોલ: 'ગંગા મૈયા પુત્રોના પગ ધોવા આવે છે…

યુપીમાં પૂર વચ્ચે યોગી સરકારના પ્રધાનના બેજવાબદાર બોલ: ‘ગંગા મૈયા પુત્રોના પગ ધોવા આવે છે…

લખનઉ: ઉત્તર પ્રદેશમાં છેલ્લા અનેક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક જિલ્લામાં પુરની સ્થિતિ છે. જેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. રાજ્ય સરકારે પુરની સ્થિતિથી બચાવ માટે મંત્રીઓની ટીમ-11નું ગઠન કર્યું છે.

જો કે આ જ ટીમના એક સભ્ય અને યોગી સરકારમાં પ્રધાન ડો. સંજય નિષાદનું એક વિચિત્ર અને બેજવાબદાર નિવેદન સામે આવ્યું હતું. તેમણે પૂરગ્રસ્ત પીડિતોને કહ્યું કે ગંગા મૈયા, ગંગા પુત્રોના પગ ધોવા માટે આવે છે અને ગંગાના પુત્ર સીધા સ્વર્ગમાં જાય છે.

ગંગા મૈયા પુત્રોના પગ ધોવા આવે છે
મળતી વિગતો અનુસાર નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય નિષાદને ટીમ-11માં કાનપુર જિલ્લાનો પ્રભાર આપવામાં આવ્યો છે. આજ રોજ તેઓ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા હતા, આ દરમિયાન તેઓ એક ગામની મુલાકાત લઇ રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ સમસ્યા વ્યક્ત કરી હતી

તેના જવાબમાં તેમણે કહ્યું કે “ગંગા મૈયા ગંગાના પુત્રોના પગ ધોવા આવે છે. ગંગાના પુત્રો સીધા સ્વર્ગમાં જાય છે. વિરોધી લોકો તમને ઊંધુંચત્તું ભણાવે છે. એ સૌભાગ્ય છે કે ગંગાજી આવી જાય છે. ઘઉંનો પાક સારો થાય છે. ભલે ત્રણ મહિના માટે પરેશાની થાય.”

કોંગ્રેસે સરકારને ઘેરી
સંજય નિષાદના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચા જાગી છે. વિપક્ષે આ મુદ્દે યોગી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. X પર આ વીડિયો પોસ્ટ કરીને યુપી કોંગ્રેસે લખ્યું, “ગંગા મૈયા ગંગા પુત્રોના પગ ધોવા આવે છે, માણસ સીધો સ્વર્ગમાં જાય છે, આ નિવેદન છે યોગી સરકારના મંત્રી સંજય નિષાદનું.

કોંગ્રેસે આગળ લખ્યું કે, “મંત્રી પોતે લખનઉના પોશ વિસ્તારમાં રહે છે, જ્યાં ગંગા તો શું, ગટર પણ તેમના દરવાજેથી નથી વહેતી. તો શું આનો અર્થ એ કાઢવો જોઈએ કે મંત્રીજી સીધા.. ત્યાં જશે? જનતાને મૂર્ખ સમજતા ભાજપ અને તેમના સહયોગીઓ એ ભૂલી જાય છે કે હવે જનતા તેમની ધૂર્તતાને સારી રીતે ઓળખી ચૂકી છે અને સમય આવ્યે તેનો પૂરો હિસાબ, તે પણ વ્યાજ સહિત ચૂકવવા તૈયાર બેઠી છે.”

આ પણ વાંચો…વારાણસીમાં ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ, 44 ગામો શહેર પુરથી પ્રભાવિત

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button