ઉત્તર પ્રદેશ: કોન્ટ્રાક્ટરે ખંડણી ના આપતા વિધાન સભ્યના માણસોએ નવો બનેલો રોડ ખોદી નાખ્યો
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં વિધાન સભ્યના ગુંડાઓએ સાત કિલોમીટરનો રોડ ખોદી નાખ્યો હતો. સુત્રો દ્વારા મળતી માહિતી મજબ કોન્ટ્રાક્ટર પાસેથી ખંડણીના પૈસા ન મળતા બદમાશોએ નવો બનેલો રોડ ખોદી નાખ્યો હતો. કોન્ટ્રાક્ટરે પોતાની ઓળખ સ્થાનિક વિધાન સભ્યના માણસો તરીકે આપી હતી.
કોન્ટ્રાક્ટરે ખંડણીના પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે બદમાશોએ જેસીબી મશીનનો ઉપયોગ કરીને દાતાગંજ-બદાયુન રોડ સાત કિલોમીટર સુધી ખોદી નાખ્યો. આ ઉપરાંત તેમણે ત્યાં કામ કરતા કામદારો પર હુમલો કર્યો હતો અને મશીનોને આગ ચાંપી દીધી. પોલીસે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ ગોરખપુરના રહેવાસી કોન્ટ્રાક્ટર શાહજહાંપુરમાં સ્ટેટ હાઈવે દાતાગંજ-બદાઉન રોડને પહોળો કરવાનું કામ કરાવી રહ્યા છે. પીડબલ્યુડીએ શકુંતલા એન્ટરપ્રાઇઝિસને કરોડો રૂપિયાનો આ કોન્ટ્રાક્ટ આપ્યો છે. કોન્ટ્રાક્ટરે આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકોએ પોતાને સ્થાનિક વિધાન સભ્યના માણસો હોવાનું કહીને ખંડણીની માંગણી કરી હતી. ખંડણી આપવાની ના આપતા બદમાશોએ જેસીબીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહેલા રોડને ઉખેડી નાખ્યો હતો.
સુત્રોના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી આવારનવાર વિધાન સભ્ય સાથે જોવા મળે છે. રોડ બનાવવાનું બજેટ રૂ. 12 કરોડ હતું અને એક સ્થાનિક રાજકારણી તેના માટે જંગી કમિશનની માંગ કરી રહ્યા હતા. જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ 15-20 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. દરમિયાન શાહજહાંપુરના ઉચ્ચ અધિકારીએ કહ્યું, અમે આવી ઘટનાઓ સહન નહીં કરીએ. એફઆઈઆર નોંધવામાં આવી છે અને હજુ સુધી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે.
બીજી તરફ સ્થાનિક વિધાન સભ્યનો દાવો છે કે કોન્ટ્રાક્ટરે રોડ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપર્યું હતું અને મેં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે પોતે જ રોડને નુકસાન પહોંચાડ્યું હોઈ શકે છે અને વીમાનો કલેઈમ મેળવવા માટે એફઆઈઆર નોંધાવી છે.