અલવિદા ‘ઉસ્તાદ’ ઝાકિર હુસૈનઃ હરિદાસે કહ્યું ‘મેં તેમના માટે તબલા બનાવ્યા ને તેમને મારું જીવન’
મુંબઈઃ ‘ઉસ્તાદ’ ઝાકિર હુસૈનનું આજે સવારે હૃદય અને ફેફસા સંબંધિત બીમારીઓને કારણે અમેરિકામાં નિધન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધનથી તેમનો પરિવાર અને ચાહકો દુખી છે. આવા જ એક વ્યક્તિ છે જેમને ઝાકિર હુસૈનના નિધનથી આઘાત લાગ્યો છે. ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન તેમના તબલા બનાવનાર હરિદાસ વ્હટકર માટે મોટા આંચકા સમાન છે.
હરિદાસ વ્હટકર કહે છે કે મેં તેમના માટે તબલા બનાવ્યા તેમણે મારું જીવન બનાવ્યું. મારા સૌથી પ્રિય ગ્રાહકનું અવસાન મારા માટે મોટી ખોટ સમાન છે. ભાવુક હરિદાસે કહ્યું હતું કે મેં સૌથી પહેલા તેમના પિતા અલ્લાહ રખા માટે તબલા બનાવ્યા હતા. ત્યાર પછી મેં ૧૯૯૮થી ઝાકિર હુસૈન માટે તબલા બનાવું છું.
આ પણ વાંચો: આ કારણે ઝાકિર હુસૈન લગ્ન અને કોર્પોરેટ કાર્યક્રમોમાં તબલા વાદન નહોતા કરતા
કાંજુરમાર્ગ સ્થિત વર્કશોપ ધરાવનારા હરિદાસ વ્હટકરે જણાવ્યું હતું કે ઉસ્તાદ ઝાકિર હુસૈન સાથે તેમની છેલ્લી મુલાકાત આ વર્ષે ઓગસ્ટમાં ગુરુ પૂર્ણિમાના દિવસે મુંબઈમાં કરી હતી. બીજા દિવસે હું નેપિયન સી રોડ તેમના ઘરે ગયો હતો જ્યાં બેસીની તેમની સાથે ઘણી વાતો કરી હતી. હરિદાસે કહ્યું કે તે ક્યારે અને કેવા તબલા જોઈએ છે તેના અંગે ખૂબ જ ગંભીર હતા. તે વાદ્યના અવાજ અંગે ખૂબ જ સભાન હતા.
હરિદાસે વધુમાં કહ્યું કે મેં તેમના માટે બે દાયકામાં અસંખ્ય તબલા બનાવ્યા છે. મારી પાસે આવા ઘણા તબલા છે જે તેમણે મને ભેટ તરીકે આપ્યા છે. હું તેમના માટે નવા તબલા બનાવતો સાથે તેમના કલેક્શન માટે તબલા રિપેર પણ કરતો હતો. મેં તેમના માટે તબલા બનાવ્યા હતા, પરંતુ તેમણે મારું જીવન બનાવ્યું હતું.
આ પણ વાંચો: PM Modi, રાષ્ટ્રપતિએ ઝાકિર હુસૈનને આપી શ્રદ્ધાંજલિઃ મોદીએ લખ્યું સાંસ્કૃતિક એકતાના પ્રતીક હતા…
હરિદાસે તેમના દાદા કેરપ્પા રામચંદ્ર વ્હટકર અને પિતા રામચંદ્ર વ્હટકરના પગલે તબલા બનાવવાની કળા શીખી હોવાનું જણાવ્યું હતું. હરિદાસ ૧૯૯૪માં મુંબઈ આવ્યા અને પ્રખ્યાત હરિભાઉ વિશ્વનાથ કંપનીમાં તબલા બનાવવાનું શરૂ કર્યું હતું. હરિદાસના પરિવારમાં પુત્રો કિશોર અને મનોજ પણ તબલા બનાવવાના તેમના પારિવારિક વારસાને આગળ ધપાવી રહ્યા છે.