નવી દિલ્હી: યુનાઈટેડ સ્ટેટ્સમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અદાણી જૂથના કર્મચારીઓ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. અદાણી પર લાગેલા આરોપ મામલે રાહુલ ગાંધી સહીત કોંગ્રેસ નેતાઓ સંસદમાં ચર્ચા માટે માંગ કરી રહ્યા છે. એવામાં થોડા દિવસો અગાઉ ભાજપે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ પર વળતા આરોપ લગાવ્યા હતાં. ભાજપે આરોપ લગાવ્યો હતો કે યુએસ ન્યૂઝ પોર્ટલને ફંડિંગ દ્વારા “ભારતને અસ્થિર” કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. નવી દિલ્હીની યુએસ એમ્બેસીએ આ આરોપોની નિંદા કરી છે, એમ્બસીએ આરોપોને “નિરાશાજનક” ગણાવ્યા છે.
આ પણ વાંચો : Mahadev Betting App કેસમાં EDએ જપ્ત કરી 387 કરોડની સંપત્તિ;
યુએસ એમ્બેસીના પ્રવક્તાએ કહ્યું કે, “યુએસ સરકાર સ્વતંત્ર સંસ્થાઓ સાથે કામ કરે છે, જે પત્રકારો માટે વ્યાવસાયિક વિકાસ માટે તાલીમને સમર્થન આપે છે, આ પ્રોગ્રામ આ સંસ્થાઓના એડિટોરીયલને પ્રભાવિત કરતો નથી. યુનાઇટેડ સ્ટેટ્સ લાંબા સમયથી વિશ્વભરમાં મીડિયા સ્વતંત્રતા માટે અવ્વલ રહ્યું રહ્યા છે.”
સંબિત પાત્રાના આરોપ:
થોડા દિવસ અગાઉ બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ એક પ્રેસ કોન્ફરન્સમાં એવો દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણી પર ટાર્ગેરટેડ હુમલાઓ કરતી સંસ્થાઓને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે, આ સંસ્થાઓ ભારતને અસ્થિર કરવાના પ્રયાસો કરી રહ્યા છે, આની પાછળ અમેરિકન ડીપ સ્ટેટ ના તત્વોનો હાથ છે.”
ભાજપે શનિવારે દાવો કર્યો હતો કે યુએસ ડીપ સ્ટેટે મીડિયા પોર્ટલ OCCRP (ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ) અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે ભારતની છબી ખરાબ કરવા માટે સાથે કામ કરી રહ્યા છે. ભાજપે કહ્યું કે અદાણી જૂથ સામે આરોપો માટે રાહુલ ગાંધી OCCRP રીપોર્ટસનો ઉલ્લેખ કરી રહ્યા છે.
યુએસએ આરોપો નકાર્યા:
યુએસ એમ્બેસીના પ્રવક્તાએ આરોપોને “નિરાશાજનક” ગણાવ્યા અને ભારપૂર્વક જણાવ્યું કે યુએસ સરકાર વૈશ્વિક સ્તરે મીડિયાની સ્વતંત્રતા માટે સતત હિમાયત કરતી રહી છે. તેમણે કહ્યું કે એ નિરાશાજનક છે કે ભારતમાં શાસક પક્ષ આ પ્રકારના આક્ષેપો કરી રહી રહ્યું છે.
આ પણ વાંચો : દાયકાઓની પ્રતિક્ષા બાદ આ વર્ષે રામ લલ્લા બિરાજમાન થયા અયોધ્યામાં; આ મંદિર પણ રહ્યું ચર્ચામાં
OCCRP શું છે:
OCCRP મીડિયા પ્લેટફોર્મ છે, મોટાભાગે ગુના અને ભ્રષ્ટાચારને લગતા રીપોર્ટસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેનું હેડ ક્વાટર એમ્સ્ટરડેમમાં છે. ભાજપે ફ્રેન્ચ મીડિયાના અહેવાલનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે એવું જાણવા મળ્યું છે કે OCCRP ને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના USAID, જ્યોર્જ સોરોસ અને રોકફેલર ફાઉન્ડેશન જેવા અન્ય “ડીપ સ્ટેટ ફિગર” દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.