ટ્રમ્પના 50 ટકા ટેરિફથી ભારતને થશે કેટલું નુકસાન? સરકારે આપ્યો હિસાબ...
નેશનલ

ટ્રમ્પના 50 ટકા ટેરિફથી ભારતને થશે કેટલું નુકસાન? સરકારે આપ્યો હિસાબ…

નવી દિલ્હી: અમેરિકાએ ભારત પર 50 ટકા એકપક્ષીય ટેરિફ લાદીને એક મોટો આર્થિક ફટકો આપ્યો છે. 27 ઓગસ્ટ, 2025 થી ભારતીય ઉત્પાદનો પર વધારાનો 25 ટકા ટેરિફ અમલમાં આવશે જેનાથી કુલ ટેરિફ 50 ટકા થઈ જશે.

અમેરિકાએ આ પગલું રશિયન તેલ અને લશ્કરી સાધનોની ખરીદીના વિરોધમાં ભર્યું છે. અમેરિકાના આ નિર્ણયથી દેશને કેટલું નુકસાન થશે? એ અંગે સરકારે માહિતી આપી છે.

48 અબજ ડોલરની નિકાસ પર થશે અસર
ભારત સરકારે અમેરિકાના આ પગલાને ‘અન્યાયી’ ગણાવ્યું છે અને રાહત પગલાં તથા વૈકલ્પિક બજારો શોધવાનું શરૂ કર્યું છે. નિષ્ણાતો માને છે કે આ પડકારનો સામનો કરવા માટે લાંબા ગાળાની વ્યૂહરચના જરૂરી છે, જેમાં વ્યાજ સબસિડી, GST રિફંડમાં ઝડપ અને SEZ કાયદાઓમાં સુધારાનો સમાવેશ થાય છે.

વાણિજ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ, આ પગલાથી ભારતની આશરે $48 અબજની નિકાસ પર ગંભીર અસર પડશે. ખાસ કરીને કાપડ, રત્નો અને ઝવેરાત, ઝીંગા, ચામડું અને મશીનરી જેવા શ્રમ-સઘન ક્ષેત્રોને સૌથી વધુ અસર થશે. આનાથી ભારતીય ઉત્પાદનોની અમેરિકાના બજારમાં સ્પર્ધાત્મકતા નબળી પડશે, જેનાથી અર્થતંત્ર અને લાખો નોકરીઓ જોખમમાં મુકાશે.

આ ટેરિફથી બાંગ્લાદેશ, વિયેતનામ અને કંબોડિયા જેવા દેશોને મોટો ફાયદો થશે કારણ કે તેમની પાસે ડ્યુટી ઓછી છે. આનાથી ભારતીય માલની સ્પર્ધાત્મકતા ઘટશે અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની ભાગીદારી પર પણ અસર પડશે. જોકે, 27 ઓગસ્ટ પહેલા પરિવહનમાં રહેલા માલ માટે કેટલીક છૂટ આપવામાં આવી છે.

કયા ક્ષેત્રોને થશે સૌથી વધુ અસર?
અમેરિકા દ્વારા લાદવામાં આવેલો 50 ટકા ટેરિફ ભારતની કુલ નિકાસના 66 ટકા અથવા $60.2 અબજના શ્રમ-સઘન ઉત્પાદનોને અસર કરશે. ભારતની $2.4 અબજની ઝીંગા નિકાસ જોખમમાં છે. વિશાખાપટ્ટનમ જેવા શહેરોમાં ખેડૂતો અને ઉદ્યોગ પર ગંભીર અસર પડશે.

હીરા અને ઝવેરાત ઉદ્યોગ પર $10 અબજની નિકાસ સાથે ટેરિફની મોટી અસર પડશે. ટેરિફના કારણે સુરત અને મુંબઈમાં લાખો નોકરીઓ જોખમ મૂકાશે. એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના મિથિલેશ્વર ઠાકુરના મતાનુસાર 10.3 અબજ ડોલરની નિકાસ ધરાવતો કાપડ ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત થશે.

50 ટકા ટેરિફથી આ ઉદ્યોગ માટે યુએસ બજારમાં ટકી રહેવું લગભગ અશક્ય બની જશે. આ સિવાય કાર્પેટ, હસ્તકલા, બાસમતી, મસાલા, ચા, સ્ટીલ, એલ્યુમિનિયમ, ચામડું અને ફૂટવેર જેવા ક્ષેત્રોને પણ આર્થિક ફટકો પડશે.

આ પણ વાંચો…ટેરિફના ટેન્શન વચ્ચે ટ્રમ્પે PM મોદીને એક નહીં, ચાર-ચાર ફોન કર્યા: શું PM મોદીએ વાત કરવાનો ઈનકાર કર્યો?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button